જામનગર મહાનગરપાલિકાના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખાના ઈજનેરો તથા સિવિલ શાખાના ઈજનેર દ્વારા આજે બપોરે જાહેર કરવામાં આવ્યું છે કે, ગત્ મહિને જૂલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં જામનગરના તમામ પુલોની વિઝયુઅલ ઈન્સ્પેક્શનની કામગીરીઓ સંપન્ન કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની સિવિલ શાખાના ઈજનેર હિતેષ પાઠક, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના ઈજનેરો રાજીવ જાની, મનોજ રાઠોડ, ચેતન સાંગાણી અને વર્ક આસિસ્ટન્ટ જય ખાન્ડેકાની સહીથી આ તમામ કામગીરીઓનો રિપોર્ટ આજે બપોરે જાહેર કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે, જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલાં રિવર બ્રિજ, રેલ્વે ઓવરબ્રીજ તથા કોઝ-વે પ્રકારના કુલ 27 બ્રિજની વિઝયુઅલ ઈન્સ્પેક્શનની કામગીરીઓ ગત્ તા. 9 જૂલાઈથી 12 જૂલાઈ દરમ્યાન કરવામાં આવી હતી. 27 પૈકી 20 બ્રિજમાં કોઈ પણ પ્રકારની સ્ટ્રક્ચરલ ખામીઓ જોવા મળી નથી. પરંતુ જરૂરી મેન્ટેનન્સ જેમ કે વેજિટેશન, સાંધાઓનું ફિલિંગ, પુટી વર્ક જેવી મેન્ટેનન્સ કામગીરીઓથી આ પુલોનું આયુષ્ય વધારી શકાય.( આ કામગીરીઓ કરવામાં આવી છે કે કેમ, તેની કોઈ સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી).
રિપોર્ટ કહે છે: 5 બ્રિજમાં માઈનોર સ્ટ્રક્ચરલ ખામીઓ જોવા મળી. જેમાં કન્સલ્ટન્ટ મારફતે વેરીફિકેશન રિપોર્ટ મેળવી જરૂરી કામગીરીઓ હાથ ધરવી જરૂરી છે.(આ કામગીરીઓ હાથ ધરવામાં આવી કે કેમ, એ અંગે રિપોર્ટમાં કશુ કહેવાયું નથી). આ ઉપરાંત કહેવાયું છે કે, 2 બ્રિજમાં મોટી સ્ટ્રક્ચરલ ખામીઓ જોવા મળી છે.
રિપોર્ટ વધુમાં કહે છે: ઉપરોકત 2 બ્રિજ પૈકી કાલાવડ નાકા બહારના રિવર બ્રિજને ડિમોલીશન કરવા માટેની પ્રોસેસ આગળ વધારવા સમગ્ર ફાઇલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. આ ઉપરાંત અન્નપૂર્ણા સર્કલ નજીકના રિવર કોઝ-વેને પણ ડિમોલીશન કરી ત્યાં પણ ફોર ટ્રેક રિવર બ્રિજ બનાવવામાં આવશે. આ માટે કન્સલ્ટન્ટ દ્વારા ડ્રાફ્ટ ટેન્ડર પેપર(DTP)ની પ્રક્રિયાઓ હાલ ચાલુ છે.