Mysamachar.in-સુરત:
શાસનમાં પારદર્શિતા વધી શકે તે માટે RTI કાયદો વર્ષો અગાઉ અમલમાં મૂકાયો પણ અત્યાર સુધીમાં એ હકીકતો પણ રેકર્ડ પર આવી કે, કેટલાંક ‘ધંધાદારી’ તત્ત્વો આ કાયદાની આડમાં ખંડણીઓ વસૂલે છે.અને તે ના માત્ર સુરત પણ જામનગર સહીત રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં છે, આવા વધુ 2 RTI કાર્યકરો ઝડપાઈ ગયા છે. આ શખ્સો પાસેથી રૂ. 45 લાખની ખંડણીની રકમ પણ મળી આવી છે.
સુરતના સચિન ઉદ્યોગ ક્ષેત્રમાં આ બનાવ બન્યો છે. ઝડપાયેલા બે પૈકી એક શખ્સનું નામ અજય ત્રિવેદી અને બીજાનું નામ તેજસ પાટીલ છે. આ શખ્સોએ અગાઉ એક ઉદ્યોગ અગ્રણીને પ્રદૂષણ મામલે ધમકી આપી હતી. અને, રૂ. 5 કરોડની ખંડણીની માંગ કરેલી. બાદમાં વાર્ષિક રૂ. 11 લાખનો હપ્તો એવું નક્કી થયું. દરમિયાન, આ મામલા અંગે ક્રાઈમ બ્રાંચનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
સચિન ઉદ્યોગનગરના CETP પ્લાન્ટમાંથી કેમિકલ ડિસ્ચાર્જ ગેરકાયદેસર રીતે કરવામાં આવે છે. અમારી પાસે તેના પુરાવાઓ છે. જો કોઈ મૃત્યુ પામશે તો તમને જવાબદાર ઠેરવીશું- આ મતલબની ધમકી RTI કાર્યકર માનવામાં આવતા આ બે શખ્સોએ એક ઉદ્યોગકારને આપેલી અને ખંડણીની માંગ કરેલી. આ શખ્સોએ ઉદ્યોગકાર મહેન્દ્ર રામોલિયાને એવી પણ ધમકી આપી હતી કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં આધાર પુરાવાઓ સાથે રજૂઆત કરી તમારો પ્લાન્ટ પણ બંધ કરાવી દેશું.
આ પ્રકારની ધમકી બાદ રૂ. 5 કરોડની ખંડણીની માંગ થયેલી અને દર વર્ષે રૂ. 11 લાખનો હપ્તો આ ઉદ્યોગકાર આપે એમ આ શખ્સોએ કહેલું. દરમિયાન, આ ઉદ્યોગકારે પોલીસ કમિશનરનો સંપર્ક સાધી તેમને વિગતોથી વાકેફ કર્યા હતાં. બાદમાં ક્રાઈમ બ્રાંચે છટકું ગોઠવ્યું. સમજૂતી મુજબ આ બંને શખ્સોએ આ ઉદ્યોગકારની ઓફિસમાં રૂ. 45 લાખ સ્વીકાર્યા અને ક્રાઈમ બ્રાંચ પ્રગટ થઈ.
આ બંને શખ્સોના કબજામાંથી રૂ. 45 લાખની રોકડ ઉપરાંત 2 કાર અને 2 મોબાઈલ મુદ્દામાલ તરીકે રેકર્ડ પર નોંધી ક્રાઈમ બ્રાંચે આ શખ્સો વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કરી દીધો. તેજસ પાટીલ મહારાષ્ટ્રનો અને અજય ત્રિવેદી સાવરકુંડલાનો છે. આ ઉદ્યોગકાર અમરેલી જિલ્લાના છે. તેજસના પિતા ભરત પાટીલ અગાઉ સુરતની જ ઉધના સહકારી બેંકના વાઈસ ચેરમેન રહી ચૂક્યા છે. અને, તેજસ તથા અજય કથિત પત્રકાર હોવાનું પણ બહાર આવ્યું છે.