Mysamachar.in-સુરત:
વન્યપ્રાણીઓના વિવિધ અંગોની તસ્કરી રાજ્યમાં વધી રહી હોય તેમ લાગે છે, તાજેતરમાં જ વડોદરામાં એક શખ્સ હાથીના બે દાંત જેની અંદાજે દોઢ બે કરોડ કિંમત થાય છે તેની સાથે ઝડપાયા બાદ સુરતમાં વાઘ, દીપડા અને હરણના ચામડા વેચવાની ફિરાકમાં ફરી રહેલા બે યુવાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે, સુરત ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પશુ એટલે કે વાઘ, દીપડો અને હરણના ચામડા વેચવા માટે નીકળેલા બે ઇસમોને પકડી પાડ્યા છે. અરીફ ઉર્ફે આર્યન બાબુ શા અને વસીમ શરીફ શેખને સુરત ફોરેસ્ટ વિભાગ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સયુંકત ઓપરેશન પાર પાડી ઝડપી પાડ્યા છે. આરીફ અને વસીમ ભંગારનો વ્યવસાય કરે છે,
ભંગારના ધંધામાં કિંમતી ચીજવસ્તુની આપલે કરતા હતા, વસીમ આરીફને પોતાની પાસે વન્ય જીવોના ચામડા હોવાનું કહી તેના ફોટો મોકલી આપ્યા હતા, જે જોયા બાદ આરીફે આ ચામડા સુરતમાં વહેચાઈ જશે અને સારા રૂપિયા મળશે એવું જણાવતા વસીમ મુંબઈથી વાઘ, દીપડા અને હરણનું એક-એક ચામડું સાથે સુરત આવ્યો હતો, સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પ્રથમ આ વાત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને ત્યાર બાદ વોચ ગોઠવી બંનેને રંગે હાથે ચામડા સાથે ઝપડી પાડ્યા હતા.અંદાજે 40 લાખની કિંમતના ચામડા સાથે હાલ આ બંનેને પકડી પાડી વનવિભાગને સોંપાયા છે, જોકે હાલ પોલીસ અને વન વિભાગની ટીમ પૂછપરછ કરી રહી છે કે આ ચામડા સહિત અન્ય ચામડાનો ખેલ ક્યાં પાડવામાં આવ્યો છે કે નહિ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.