Mysamachar.in-મહેસાણા:
ગિલોલ વડે કારના કાચ તોડીને રોકડ, બેગ, મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરી કરતી ગિલોલ ગેંગના 2 પરપ્રાંતિય શખ્સોને એસઓજીએ મહેસાણા તાલુકાના સાંગણપુર રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતા. ગેંગ પોલીસને હાથ લાગતા મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 16 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે,ગેંગની મુખ્ય મોડસ ઓપરેન્ડી ગિલોલ વડે ગાડીના કાચ તોડી કારમાં રહેલા માલસામાનની ચોરી કરતા હોવાનું ખુલવા પામ્યું છે.
આંધ્રપ્રદેશ અને તમિલનાડુના રહેવાસી નાયડુ સુબ્રમણી રામુ, તૂટી નાયકર કિરણ મુથ્થુરામન નામના બંને શખ્સો ઝડપાઈ ચુક્યા છે જયારે અન્ય ત્રણ ફરાર છે, ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 9 મોબાઈલ, એક્ટિવા, 1,38,660 રોકડ, ગિલોલ, 10 નંગ છરા મળીને કુલ 1,93,160નો મુદ્દામાલ કબજે લીધો હતો. પૂછપરછમાં તમિલનાડુના 2 અને આંધ્રપ્રદેશના 1 શખ્સનુ નામ ખૂલતા 3ને વોન્ટેડ જાહેર કર્યા છે.આરોપીઓના મોબાઈલની CDR એનાલીસીસ કરતા મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, ધોળકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આરોપીઓની હાજરી જણાઈ આવી હતી.