Mysamachar.in-જામનગર:
જામનગરના 2 અલગ-અલગ ફરિયાદીએ નોંધાવેલી પોલીસ ફરિયાદોમાં કુલ 3 મહિલાઓના નામજોગ આરોપ લખાવ્યા છે. અને, બંને ફરિયાદમાં કહેવાયું છે કે, આ 3 મહિલાઓએ ફરિયાદીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. એક મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં ઈન્ટીરિયર ડેકોરેશનના નાણાંની લેતીદેતીઓની વાત છે જ્યારે અન્ય એક ફરિયાદી પુરૂષ છે જેમાં સસ્તા TV-ACના ધંધાનો મામલો છે.
આ 2 પૈકીની 1 ફરિયાદ શહેરના માધવબાગ વિસ્તારમાં કોપરસિટીમાં રહેતાં અને ખાનગી કંપનીમાં નોકરી કરતાં નિમેષભાઈ દિલીપભાઈ શેઠએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. જેમાં જણાવાયું છે કે, શહેરના પટેલકોલોની શેરી નંબર 4 માં રહેતાં ચાર્મી ગજાનંદભાઈ વ્યાસ, નાહેલાબાનુ મેમણ અને જાગૃતિબેન વ્યાસ નામની 3 મહિલાઓએ પૂર્વ આયોજિત કાવતરૂં ઘડી, આ ફરિયાદીને વિશ્વાસ અપાવ્યો હતો કે, શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની એક્સપોર્ટ ઈમ્પોર્ટ પેઢીમાં ઈલેક્ટ્રીક ચીજોના કન્ટેનરનો ધંધો કરવામાં આવે તો, TV તથા AC સસ્તી કિંમતે મળે અને આ ધંધામાં નફો છે. આ ગોઠવણ દરમ્યાન ફરિયાદી પાસેથી ગૂગલ પે અને અન્ય રીતે ઓનલાઈન પેમેન્ટથી આરોપી મહિલાઓએ રૂ. 10,09,900ની રકમ મેળવી લીધી. બાદમાં આ ફરિયાદીને ધંધા માટેની મૂડી પરત આપવામાં ન આવી અને નફાની રકમ પણ આપવામાં ન આવી, આ રીતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો એમ ફરિયાદીએ પોલીસમાં જણાવ્યું.

આ 3 મહિલાઓ વિરુદ્ધ અન્ય એક ફરિયાદ એક મહિલાએ દાખલ કરાવી છે. શહેરના જોગર્સ પાર્ક રોડ પર સેફાયર એપાર્ટમેન્ટમાં રહેતાં નિલુબેન કીર્તિભાઈ શાહ ઈન્ટીરિયર ડેકોરેશનનું કામ કરે છે. એમણે ચાર્મીબેન વ્યાસના મકાનમાં ડેકોરેશનનું કામ કરેલું. આખું કામ રૂ. 5 લાખમાં નક્કી થયું હતું. જે પેટે આ ફરિયાદી નિલુબેનને રૂ. 80,000 કટકે કટકે રોકડ અને ગૂગલ પે થી આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેમને રૂ. 2,84,500નો એક ખાનગી બેંકનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફર્યો. આથી ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં એમ જણાવ્યું કે, તેમને આ મહિલા આરોપી પાસેથી રૂ. 4,20,000 લેવાના થાય છે. આ દરમ્યાન જાગૃતિબેન વ્યાસે નાણાં અપાવી દેવાની ખાતરી આપી હતી, અને નાહેલાબાનુ મેમણે આ ફરિયાદીને વોટ્સએપ મારફતે ખોટા ખોટા મેસેજ કરી, હેરાન પરેશાન કરી, ગલ્લાતલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં એમ જાહેર કર્યું છે કે, આ ત્રણેય મહિલાઓએ પૂર્વ આયોજિત કાવતરૂં કરી આ મામલામાં ફરિયાદી સાથે ઠગાઈ કરી છે.
