Mysamachar.in-જામનગર:
જામનગરમાં મહિલા કોલેજ નજીક ઓફિસ ધરાવતી અને રોકડ રકમની લેતીદેતીઓનો વ્યવસાય કરતી એક કંપનીના 2 કર્મચારીઓએ પોતાની જ કંપની સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી, આ રકમની ઉચાપત કરી લીધી હોવાની ફરિયાદ દાખલ થઈ છે. આ ગુનો સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
આ મામલાની પોલીસમાં જાહેર થયેલી વિગત અનુસાર, જામનગર સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાં ‘રોકડ રકમ’ની કાયદેસરની લેતીદેતીઓનો વ્યવસાય કરતી કંપની CMS સાથે, કંપનીના જ 2 કર્મચારીઓએ રૂ. 31.36 લાખની છેતરપિંડી કરી છે. કંપનીના આ નાણાં અંગત ઉપયોગ માટે ઉપાડી લીધાં છે. કંપનીએ હિસાબોનું ઓડિટ કર્યું ત્યારે, આ કુંડાળુ બહાર આવ્યું છે. બાદમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
આ મામલામાં ફરિયાદી તરીકે કંપનીની જામનગર ઓફિસના ઈન્ચાર્જ મેનેજર અને સાથેસાથે કંપનીની રાજકોટ બ્રાંચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ભાવિન ભરતભાઇ જોશી છે, જેણે કંપનીના જ 2 કર્મચારીઓ પ્રકાશ નાથાભાઈ મેરિયા (રહે. શંકરટેકરી, નહેરૂનગર શેરી નંબર 11, જામનગર) અને કશ્યપ ભરતભાઇ અંકલેશ્વરીયા ( રહે. હીરાપાર્ક, વિશાલ હોટેલની બાજુમાં, જામનગર) વિરુદ્ધ આ ઠગાઈની ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓને કંપનીએ, કંપનીના નાણાં અલગઅલગ બેંક ATMમાં જમા કરાવવા, હિસાબો રાખવા અને ATMમાંથી નાણાં ઉપાડી કંપનીના કામો માટે નાણાંની લેતીદેતીઓ કરવા માટે, ઓથોરાઈઝડ કરેલા હતાં. આ કામગીરીઓ દરમ્યાન કંપનીના હિસાબોના ઓડિટ દરમ્યાન કંપનીના ધ્યાન પર આવ્યું કે, કુલ રોકડ રકમ જે હાથ પર હોવી જોઈએ તે રકમમાં અલગઅલગ કેસમાં કુલ રૂ. 31.36 લાખની ઘટ આવે છે. ટૂંકમાં, આ 2 કર્મચારીઓએ કાવતરૂ રચી કંપની સાથે છેતરપિંડી કરી છે. જે અનુસંધાને કંપની વતી ફરિયાદીએ આ 2 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કંપની ભૂતકાળમાં પણ એક કરતાં વધુ વખત સમાચારોમાં ચમકી ચૂકી છે. કંપનીમાં રોકડ નાણાંની મોટી લેતીદેતીઓ થતી હોય ઘણી વખત આ કંપનીમાં બબાલો થતી રહે છે.(symbolic image)