જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકામાં વાડી વિસ્તારોમાં વીજઆંચકાને કારણે બે વ્યક્તિના મોત થયાનું પોલીસમાં જાહેર થયું છે. એક બનાવ કાલાવડ તાલુકાના ગુંદા ગામનો અને બીજો બનાવ લાલપુર તાલુકામથકે બન્યો હોવાની વિગતો બહાર આવી છે.
કાલાવડ પોલીસમાં જિવણભાઈ નામના એક ખેતમજૂર યુવાને જાહેર કર્યું કે, ગુંદા ગામની સીમમાં અર્જુનસિંહ ઉમેદસિંહ જાડેજાની વાડીમાં વીજશોકથી એક કિશોરનું મોત થયું છે. મૂળ રાજસ્થાનનો અને ગુંદામાં રહેતો 16 વર્ષનો ઈલિયાસ નામનો આ કિશોર વાડીએ પાણીની મોટર ચાલુ કરી રહ્યો હતો ત્યારે, જમીન પર પડેલાં ખુલ્લા વીજવાયર પર તેનો પગ પડ્યો. તેને વીજશોક લાગતાં બેભાન થઈ ગયો. બાદમાં તેને કાલાવડ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો.
વીજશોકનો અન્ય એક બનાવ લાલપુર તાલુકામથકે બન્યો હોવાની જાણકારીઓ લાલપુરના મીત પાડલીયાએ પોલીસમાં જાહેર કરી છે. મીતે લખાવ્યું છે કે, તેના 54 વર્ષીય પિતા પંકજભાઈ શામજીભાઈ પાડલીયા વાડીએ પાણીની મોટર કાઢી રહ્યા હતાં ત્યારે, મોટરની લોખંડની ઘોડી તેમના પર પડી જતાં પંકજભાઈને વીજશોક લાગ્યો. પંકજભાઈને સારવારમાં લઈ જવાયા હતાં પરંતુ તેમનો જિવ બચાવી શકાયો નહીં.