Mysamachar.in:અમદાવાદ
દિલ્હીથી 19 ડ્રમ્સ એક ટ્રાન્સપોર્ટ મારફતે નડિયાદ મોકલવામાં આવેલાં, જે માલ ભૂલથી નડિયાદને બદલે અમદાવાદ પહોંચ્યો ! અને, આ ડ્રમ્સ શોધતી શોધતી પોલીસ ટ્રાન્સપોર્ટ ગોદામે પહોંચી અને ચેક કર્યું, ડ્રમ્સમાં છે શું ?!અમદાવાદનાં માધવપુરા પોલીસ સ્ટેશનની પોલીસ એક બાતમીનાં આધારે એક ટ્રાન્સપોર્ટ ગોદામમાં પહોંચી, દરોડા દરમિયાન 19 ડ્રમ્સ કબજે લીધાં. ડ્રમ્સ ખોલ્યા તો તેમાંથી અંગ્રેજી શરાબ નીકળી પડ્યો ! આ અંગ્રેજી શરાબનો જથ્થો દિલ્હીનાં એક બુટલેગર દ્વારા નડિયાદ મોકલવા ટ્રાન્સપોર્ટમાં પહોંચાડવામાં આવેલો, જે ભૂલથી નડિયાદને બદલે અમદાવાદ પહોંચ્યો. અને, દરોડામાં ઝડપાઈ ગયો.
માધવપુરા પોલીસે FIR માં આમ નોંધ્યું છે. અમદાવાદમાં પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલા એક ગોદામમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ તમામ 19 ડ્રમ્સમાં શરાબની બોટલો ગોઠવવામાં આવી હતી ! ગોદામનાં માલિકનું નામ બલવીરસિંઘ ચૌધરી (62) છે. કુલ 2લાખ રૂપિયાનો શરાબ હોવાનું પોલીસ કહે છે. તેણે કહ્યું: દિલ્હીનાં એક વેપારીને તેણે અઠવાડિયા પહેલાં 19 ડ્રમ્સનો ઓર્ડર આપ્યો હતો. બાલાજી ટ્રાન્સપોર્ટ મારફતે આ ડ્રમ્સ દિલ્હીથી નડિયાદ ખાતે ગણેશ ટ્રેડર્સમાં મોકલવાના હતાં, જે ભૂલથી અમદાવાદ પહોંચી ગયા ! ગોદામમાલિકે ડ્રમ્સ ચેક કર્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે – ડ્રમ્સમાં શરાબ છે ! તેણે આ બાતમી પોલીસને પહોંચાડી.
નડિયાદ અને દિલ્હીમાં આ ડ્રમ્સ સાથે કોણ કોણ સંકળાયેલું છે ? એ પ્રશ્નનો જવાબ પોલીસ તપાસમાં બહાર આવી શકે છે. ગોદામમાલિક ચૌધરી કહે છે: મને કોઈ માહિતી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં જુદી જુદી રીતે દરરોજ હજારો બોટલ શરાબ ઠલવાય છે. સેંકડો દરોડાઓ પડે છે. છતાં પણ, પ્યાસીઓ સુધી ‘ માલ’ પહોંચે જ છે ! શરાબના આ જથ્થા રાજ્યમાં છેક આંતરિયાળ વિસ્તરો સુધી ‘સલામત’ શી રીતે પહોંચી જતાં હશે ?! ચેકપોસ્ટ તથા હાઈવે ચેકીંગ અંગે લોકો શંકાઓ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ વ્યવસાય પણ કાયમ માટે શંકાનાં પરિઘમાં રહે છે !