Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલારના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે આવેલી ઘડી ડિટરજન્ટના નામે ઓળખાતી RSPL કંપની દ્વારા ફેલાવવામાં આવેલું પ્રદૂષણ, અને પ્રદૂષણને કારણે ખેતીની જમીનને થયેલું નુકસાન તથા આ સમગ્ર મામલામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની નિષ્ક્રિયતા અને ફરજોમાં બેદરકારીઓ- આ બધી જ બાબતો, રાજ્યભરમાં અને વડી અદાલતમાં ગાજી રહી છે, આમ છતાં ખૂબીની વાત એ છે કે, GPCBની ગાંધીનગર કચેરી અને જામનગર કચેરી વચ્ચે, આ બાબતે હાલ કોઈ પત્રવ્યવહાર થયો નથી. જામનગર કચેરી હાલની ગતિવિધિઓ અંગે અજાણ છે. મહત્ત્વની બાબત એ છે કે, ઘડી ડિટરજન્ટ કંપનીના પ્રદૂષણ પર આ જામનગર કચેરીએ જ નિગરાની રાખવાની હોય છે, કેમ કે આ કચેરી સ્થાનિક છે અને આ કચેરીએ જ વડી કચેરીને આ અંગે રિપોર્ટિંગ કરવાનું હોય છે.
વડી અદાલતમાં હાલ ચાલી રહેલી અદાલતી કાર્યવાહીઓના અનુસંધાને જાણવા મળે છે કે, કુરંગાની આ કંપનીનું પ્રદૂષણ મોટો મામલો હતો છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કુલ 17 અધિકારીઓ આ બાબતે નિષ્ક્રિય રહ્યા હતાં અને ફરજોમાં બેદરકારીઓ દાખવી હતી. જે અનુસંધાને આ 17 અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે અને ખુલાસાઓ પૂછવામાં આવ્યા છે. વડી અદાલતના નિર્દેશ બાદ, બોર્ડના 3 અધિકારીઓની ટીમે આ 17 અધિકારીઓની બેદરકારીઓ શોધી કાઢી છે. જો કે, આ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હજુ સમય લેશે એમ દેખાય છે.
બીજી તરફ એમ જાણવા મળે છે કે, પ્રદૂષણને કારણે ખેતીની જે જમીનોને નુકસાન થયું છે તે જમીનોની સુધારણા માટે કંપનીએ સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ રૂ. 1.57 કરોડની રકમ અગાઉ જમા કરાવેલી છે. આ ઉપરાંત એમ પણ જાહેર થયું છે કે, આ કંપનીના મામલામાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવે જે કોઈ કાર્યવાહીઓ કરવામાં આવે તે અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ બોર્ડ વડી અદાલતમાં દાખલ કરે તેવો નિર્દેશ પણ બોર્ડને આપવામાં આવ્યો છે.
-બધી જ કાર્યવાહીઓ હવે ગાંધીનગરથી થઈ રહી છે: ભટ્ટ
RSPL કંપનીના આ પ્રકરણ મુદ્દે આજે સવારે Mysamachar.in દ્વારા જામનગરમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના વડા જીબી ભટ્ટને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું છે કે, હાલમાં આ મામલો વડી અદાલતમાં હોય, આ સંબંધે બધી જ કાર્યવાહીઓ હાલ બોર્ડની વડી કચેરી ગાંધીનગરથી થઈ રહી છે અને આ અંગે જામનગર કચેરીને કશી જાણકારીઓ આપવામાં આવી રહી નથી.
અત્રે નોંધપાત્ર છે કે, જામનગર કચેરીના આ નિવેદન પરથી સમજાઈ રહ્યું છે કે, જામનગર કચેરીને હાલની કાર્યવાહીઓથી અજાણ રાખવાનો વડી કચેરીનો આશય એ પણ હોય શકે કે, આગામી સમયમાં જામનગર કચેરી તથા જેતે સમયના અધિકારીઓ વિરુદ્ધ વડી કચેરી દ્વારા આ કંપનીના પ્રદૂષણ મામલે આકરાં પગલાંઓ પણ લેવાઈ શકે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર કચેરીના હાલના વડા ગાંધીનગરથી અહીં બદલી પામી આવ્યા છે અને જામનગર કચેરીના તત્કાલીન વડાની બદલી હિંમતનગર ખાતે કરી દેવામાં આવી છે.