Mysamachar.in-જામનગર: દ્વારકા
સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં 89 વિધાનસભા બેઠક પર આગામી પહેલી ડિસેમ્બરે( પ્રથમ તબક્કાનું) મતદાન હોય, કાલે સોમવારે જામનગર અને દ્વારકા જિલ્લા સહિતની આ તમામ બેઠકો પર નામાંકનપત્ર દાખલ કરવાનો આખરી દિવસ હતો. જામનગર જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 145 ફોર્મ રજૂ થયાં છે. દ્વારકા જિલ્લાની કુલ બે વિધાનસભા બેઠક માટે કુલ 54 ફોર્મ દાખલ થયાં છે.
જામનગર જિલ્લાની વાત કરીએ તો, 76-કાલાવડ બેઠક પર ત્રણ મુખ્ય પક્ષો સહિત કુલ 16 ફોર્મ રજૂ થયાં છે. 77-જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ 31 ફોર્મ, 78-જામનગર ઉત્તર બેઠક પર કુલ 41 ફોર્મ, 79-જામનગર દક્ષિણ બેઠક પર કુલ 33 ફોર્મ અને 80-જામજોધપુર વિધાનસભા બેઠક પર કુલ 24 ફોર્મ સોમવારની સાંજ સુધીમાં દાખલ થયાનું ચૂંટણી કંટ્રોલરૂમ જણાવે છે.
આમ જામનગર જિલ્લામાં કુલ 145 નામાંકન પત્ર દાખલ થયાં છે. આજે બંને જિલ્લામાં ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે. જે પ્રક્રિયા દરમિયાન કેટલાંક ફોર્મ વિવિધ ક્ષતિઓને કારણે રદ્ પણ થઈ શકે છે. આ ઉપરાંત આગામી 17 નવેમ્બર ( ગુરૂવાર) બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કોઈ પણ ઉમેદવાર પોતાનું નામાંકન પત્ર પરત પણ ખેંચી શકશે. એટલે, સતરમીએ સાંજે ચિત્ર સ્પષ્ટ થશે કે, કઈ બેઠક પર કુલ કેટલાં ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કેમ કે, ઘણાં બધાં અપક્ષોએ પણ ફોર્મ દાખલ કર્યા હોય છે. જે પૈકી કેટલાંક ફોર્મ ગોઠવણીનાં ભાગરૂપે પરત પણ ખેંચાઈ શકે છે. આ પ્રકારની કવાયતો મોટાભાગના રાજકીય પક્ષો કરતાં રહેતાં હોય છે. કોઈ ચોક્કસ ઉમેદવારનાં ટેકામાં કેટલાંક ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યુ છે, એવી જાહેરાત પણ કરી શકે છે. મતોના વિભાજનને અટકાવવા અને વિજય સુધી પહોંચવા ઘણાં ઉમેદવારો અને પક્ષો, આજે અને આવતી કાલે તથા ગુરૂવારે સવારનાં સમયે છેલ્લી ઘડીના પ્રયાસો કરી, ચૂંટણીની બાજી પોતાની ફેવરમાં ખૂલી શકે અથવા પલ્ટી શકે, તે માટે ઘણી જ કસરતો કરશે. જેમાં નિયમો વિરુદ્ધ, કાયદાઓની પણ વિરુદ્ધ ઘણી કસરતો થશે ! જે પૈકી કેટલીક વ્યૂહરચના છાને ખૂણે છતી પણ થઈ શકે છે. બાકીની વ્યૂહરચનાઓ કાયમ માટે દબાયેલી જ રહી શકે છે. ઘણાં અપક્ષો આ પ્રકારની તડજોડ દરેક ચૂંટણીમાં કરતાં હોય છે ! જેઓની ઓળખ ક્યારેય છતી થતી નથી !
આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ખંભાળિયા તથા દ્વારકા બેઠક પર ગઈકાલે સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ ત્રણ રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો ઉપરાંત અપક્ષોએ પણ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર માટે 21 ઉમેદવારોના 31 ઉમેદવારી પત્રો જ્યારે દ્વારકા વિધાનસભા બેઠક માટે 17 ઉમેદવારો માટે કુલ 23 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. આમ, જિલ્લાની બંને બેઠકો મળી કુલ 54 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત બંને બેઠક પર અપક્ષ ઉમેદવારોએ પણ તેમના નામાંકન રજૂ કર્યા હતા. આ ઉમેદવારી પત્રોની આજરોજ મંગળવારે ફોર્મ ચકાસણી તેમજ તા. 17 ના રોજ ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. આ દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોએ તેઓના ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દીધા છે અને પ્રચાર કાર્ય ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.