Mysamachar.in-જામનગર:
જામનગરના અંધાશ્રમ નજીકના 1,404 આવાસોના ધારકોને નવા મકાનોનું વચન આપી મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને જર્જરીત આવાસોની પાડતોડ મહાનગરપાલિકાએ હાથ ધરેલી છે પરંતુ હજુ આ આવાસધારકોને ‘નવા મકાન’ મળવામાં કેટલોક વિલંબ થશે, એ મતલબની વિગતો બહાર આવવા પામી છે.
1,404 આવાસો જર્જરિત થઈ ગયા હોય, તોડી પાડવામાં આવી રહ્યા છે. આ આવાસોમાં કુલ 117 બ્લોક છે અને દરેક બ્લોકમાં 12-12 ફલેટ છે. આ 117 બ્લોક પૈકી 66 જર્જરિત બ્લોક એટલે કે 792 ફલેટ મહાનગરપાલિકાએ તોડી પાડ્યા છે. બાકીના 51 બ્લોકના 612 જર્જરિત ફલેટ હજુ તોડવાના બાકી છે. દરમિયાન, મહાનગરપાલિકાએ અહીં નવા મકાનો બનાવવા, રાજ્ય સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસી હેઠળ, કોન્ટ્રાક્ટર નક્કી કરવા પ્રયાસ હાથ ધરેલાં છે. આ માટે એક વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલું. પરંતુ કોઈ ડેવલપરને આ નવા મકાનના બાંધકામ પ્રોજેક્ટમાં હાલ રસ નથી. તેથી મહાનગરપાલિકાએ પાર્ટી શોધવા બીજી વખત ટેન્ડર માટેની તૈયારીઓ પણ કરી છે, એમ કોર્પોરેશનમાં સ્લમ અને આવાસ પ્રોજેક્ટ સંભાળતા નાયબ ઈજનેર અશોક જોષીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે.

Mysamachar.in દ્વારા એવો પણ પ્રશ્ન કરવામાં આવ્યો કે, નવા મકાનો બનાવવા ડેવલપર પાર્ટી શોધવા ધારો કે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર 2 વખતને બદલે 5-6 વખત બહાર પાડવામાં આવે, પછી પણ કોઈ ડેવલપર આ કામ કરવા તૈયાર ન થાય, તો ?! સરકારની રિ-ડેવલપમેન્ટ પોલિસીમાં ડેવલપર શોધવા અન્ય કોઈ વિકલ્પની જોગવાઈ કે વ્યવસ્થાઓ છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં અશોક જોષીએ કહ્યું: સરકાર આગામી સમયમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીની સમીક્ષા કરી, તેમાં આવશ્યક ફેરફાર માટેની દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરાંત આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેટલાંક મહત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે. આ બધી બાબતો મહાનગરપાલિકાને આ પ્રોજેક્ટ માટે ઉપયોગી થશે, એવી સંભાવનાઓ છે.
ટૂંકમાં, જામનગરના 1,404 આવાસના જે ધારકો અને કબજેદારો આ જૂના અને જર્જરિત મકાનના બદલામાં નવું મકાન મેળવવાની આશામાં રાહ જોઈ રહ્યા છે, તેઓને નવા મકાનો મળવામાં હજુ ઘણો વિલંબ થઈ શકે છે. કેટલીક પાડતોડ બાકી છે, નવા મકાનો બનાવી આપવા કોઈ ડેવલપર તૈયાર નથી. સરકારની પોલિસીમાં શું અને કયારે ફેરફાર થશે- એ બાબત પણ હજુ જો અને તો પર આધારિત હોય, લાગી રહ્યું છે કે, 2027ની વિધાનસભા ચૂંટણીઓ સુધી જામનગરનો આ મામલો વિલંબ અનુભવતો રહેશે. અથવા, એવું પણ બની શકે કે- 2027ની ચૂંટણીઓ ટાણે આ આવાસધારકો નવા મકાનોના દ્વારે વાસ્તુપૂજન માટે લીલાછમ તોરણો બાંધી રહ્યા હોય…આધાર રાજ્ય સરકાર પર છે. હાલ તો ‘નવી છત’ નું હજુ કાંઈ નક્કી નથી થઈ શક્યું.
