Mysamachar.in-સુરતઃ
ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ વાર તહેવારે પ્યાસીઓને ગમે ત્યાંથી પીવાનો મેળ કરી લેતા હોય છે. આવી જ એક પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડી 14 નબીરાઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા શૈલેષ ઉર્ફે બંટી પરદેશીના દીકરાના જન્મ દિવસની ઉજવણીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જ દારૂની મહેફિલ યોજાઇ હતી, જો કે પોલીસે દરોડા પાડી તમામની ધરપકડ કરી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં ટેસ્ટ કર્યા બાદ તમામને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા. પાર્કિંગમાં દરોડા દરમિયાન 31 જેટલી દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ 31મી ડિસેમ્બર આવી રહી છે, જેથી પ્યાસીઓ અને બૂટલેગરો બેફામ બન્યા છે. તો બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે પણ સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જો કે પોલીસના સઘન ચેકિંગ હોવા છતા કેવી રીતે દારૂ પ્યાસીઓ સુધી પહોંચી રહ્યો છે એ પણ તપાસનો વિષય છે.