Mysamachar.in-સુરત
કોરોનાએ ગુજરાતમાં કાળો કહેર વર્તાવ્યો છે, ત્યારે આજે જે કિસ્સો સુરતથી સામે આવ્યો છે તે ભલભલા કઠણ કાળજાવાળાને પણ કંપાવી દે તેવો છે, અને હવે કુદરત દયા કરે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે. સુરતમા માત્ર 14 દિવસના માસુમ નવજાતનું કોરોનાથી મોત નિપજ્યું છે. માત્ર 14 દિવસના બાળકનું કોરોનાથી મોત નિપજ્યુ હોય તેવો આ પહેલો કિસ્સો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિત વસાવા પરિવારમાં 14 દિવસ પહેલા પિતા બન્યા હતા. તેમની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે, નવજાતનો રિપોર્ટ કાઢતા જ તે જન્મના ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ આવ્યો છે તેવુ તબીબોએ જણાવ્યું હતું.
આ વાત જાણતા જ તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બાળકને જન્મતાની સાથે જ કિડની અને ખેંચની બીમારી હતી. (જેને કો મોર્બીડ પણ કહેવાય) તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, સુરત સિવિલ હોસ્પિટલમાં રોહિત વસાવા અને તેમની પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. બંન્ને નેગેટિવ આવ્યા હતા. આમ ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કિસ્સો માનવામાં આવી રહ્યું છે.
-મૃતકના પિતાએ કહ્યું કે…
સુરત સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જોકે એ અને હું બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. ખેડૂત છીએ અને ખેતીવાડી કરી ગુજરાન ચલાવીએ છીએ. પ્રસૂતા રાજશ્રીને આ બીજી પ્રસૂતિ હતી. પહેલી પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો હતો. આજે એ ચાર વર્ષની હોવાનું મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે મારા નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી. ત્યાર બાદ આ બધી તકલીફો ઊભી થઇ હતી. બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું.