Mysamachar.in-સુરત
ઘરમાં કોઈ ના અને ઘર રેઢુંપટ્ટ પડ્યું અને ચોરી થાય તો સમજાય પરંતુ ઘરમાં 13 સભ્યો હાજર હોય અને ચોરી થાય આ વાત કદાચ ગળે ના પણ ઉતરે પણ સાચું છે, અહી વાત સુરતની કરવામાં આવી રહી છે, જ્યાં અઠવા લાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતાં બિલ્ડરના મકાનમાં સાંજે ત્રાટકેલો તસ્કર ચાર બેડરૂમના તાળાં તોડી રોકડા 1.50 લાખની રોકડ ચોરી ગયા હતા. અહી સૌથી મોટું આશ્ચર્ય જ એ છે કે તસ્કરો જ્યારે ચોરી કરી રહ્યા હતા ત્યારે ઘરમાં રહેતા 13 સભ્યો મુખ્ય હોલમાં ટીવી જોવામાં વ્યસ્ત હતા.સુરતની અઠવા લાઈન્સમાં આદર્શ સોસાયટીમાં બંગ્લા નંબરમાં રહેતાં સાતમાં રહેતાં જીગ્નેશ રાદડીયા કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલાં છે.
પત્ની, બે સંતાનો, માતા-પિતા ઉપરાંત ભાઇ, કાકાના સંતાનો અને તેમની પત્ની તથા સંતાનો સહિત 13 સભ્યોનાં બહોળા પરિવાર સાથે સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાથી ઘરના મુખ્ય હોલમાં ટી.વી. જોવા બેઠા હતા.રાત્રે નવ વાગ્યે આ બિલ્ડરનો ભાઇ અંકુર જ્યારે તેના બેડરુમમાં ગયો હતો ત્યારે વોર્ડ રોબનું ડ્રોઅર તૂટેલું જોવા મળતાં ચોરીની શંકા જાગી હતી. તપાસ કરવામાં આવતા ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના બંગલા પૈકી પહેલા અને બીજા માળે આવેલાં ચાર બેડરૂમના ડ્રોઅર તોડવામાં આવ્યા હતા જે પૈકી જીગ્નેશભાઈના વોર્ડરોબમાંથી રોકડાં 1.50 લાખ ચોરી થઇ ગયા હતા.ઘરની પાછળ તપાસ કરવામાં આવતાં બાલ્કની અને બારીની એલ્યુમિનિયમની ફ્રેમ તૂટેલી જોવા મળતાં પાછળથી દીવાલ કૂદીને આવેલો કોઇ શખ્સ ચોરી કરી ગયાની શંકા સાથે ઉમરા પોલીસ મથકે ફરિયાદ કરાઇ હતી.