Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં એક તરફ પોલીસ લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવા ‘સરકારી’ કાર્યક્રમો યોજી રહી છે, લોકોને અપીલો અને અનુરોધ થતાં રહે છે અને જો કોઈ તમને છેતરી જાય તો, અમારી પાસે આવો, આ રહ્યા અમારાં ફોન નંબર- એમ કહી, પોલીસ પ્રજાની મિત્ર છે એવું સાબિત કરવા પોલીસ પ્રયાસો કરી રહી છે, બીજી તરફ સાયબર ગઠિયાઓ પોલીસની સાડીબાર રાખ્યા વગર ગુજરાતના લોકોને સતત લપેટી રહ્યા છે અને કરોડો રૂપિયા ઉસેડી રહ્યા છે, રાજ્યના ખુદ ગૃહમંત્રીનું ફેસબુક એકાઉન્ટ ‘નકલી’ બની ગયું.
આંકડા કહે છે: સાયબર ક્રાઈમની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. અહીં વર્ષે રૂ. 650 કરોડ સાયબર ગઠિયાઓ ‘લૂંટી’ જાય છે, રાજ્યમાં દર એક કલાકે 13 સાયબર ગુનાઓ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ હકીકત એ પણ છે કે, સાયબર ગુનાઓમાં આરોપીઓ ઝડપાઈ જવાનો દર સાવ ઓછો છે, અને ઝડપાયેલા જાહેર થતાં આરોપીઓને સજા થવાનો દર તો એથી પણ સાવ ઓછો એટલે કે નહિવત્. તેથી સાયબર ગુનાઓ આચરતા તત્વો મોજમાં છે, તેમને ખબર છે, ટેકનોસેવી હોવાનો દાવો કરતી પોલીસ આપણાં સુધી પહોંચી શકે એમ નથી. પરિણામે લોકો લૂંટાતા રહે છે.
જેમ જેમ ઈન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે, સાયબર ગુનાઓની જાળ પણ વિસ્તરી રહી છે, લાખો લોકો શિકાર બની રહ્યા છે. ડિજિટલ ભારત અને ડિજિટલ ગુજરાતનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ ડિજિટલ વપરાશકારોની સુરક્ષા મુદ્દે ખાસ કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી શકાયું નથી. ટેકનોલોજીની વાતો જે પ્રમાણમાં થઈ રહી છે, એટલાં પ્રમાણમાં લોકોની સાયબર સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવી શકાય હોય એવું દેખાતું નથી.
ગુજરાતમાં નકલી પોલીસ, નકલી અધિકારીઓ, નકલી પીએમઓ-સીએમઓ અધિકારીઓ અને નકલી ટોલનાકાથી માંડીને નકલી સરકારી કચેરીઓ સહિતનું ઘણું ઘણું ચાલી રહ્યું છે, તેની સાથેસાથે નકલી ડિજિટલ ઓળખ આપીને સમાજને છેતરનારાઓની એક વિશાળ દુનિયા પણ ધમધમી રહી છે, પોલીસ કે સરકાર આવા તત્વોનું કશું બગાડી શકતી નથી.
વર્ષ 2023માં ગુજરાતમાં સાયબર ગુનાઓની કુલ 1,21,701 ફરિયાદો દાખલ થઈ. ઓનલાઈન છેતરપિંડીઓ કરી સાયબર ગઠિયાઓ લોકોના રૂ. 650 કરોડ લઈ ગયા. દર 60 મિનિટે રાજ્યમાં 13 સાયબર ગુનાઓ નોંધાઈ રહ્યા છે, પોલીસ સુધી ન પહોંચતા ગુનાઓ અલગ. દર ચોવીસ કલાકે સાયબર ગઠિયાઓ ગુજરાતમાં 313 થી માંડીને 333 લોકોનું’કલ્યાણ’ કરી નાંખે છે. અને બીજી તરફ આ સંદર્ભે પોલીસ પત્રકાર પરિષદો યોજતી રહે છે, આંકડાઓની લહાણી કરતી રહે છે.(symbolic image source : google)