Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ છેલ્લા કેટલાક સમયથી લાંચિયા અધિકારીઓ અને બેનામી સંપતિ એકત્ર કરનાર બાબુઓ પર તવાઈ બોલાવવાની શરૂઆત કરી છે, એવામાં ગઈકાલે સામે આવેલો એક કેસ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં નિવૃત નાયબ મામલતદારની 30 કરોડથી વધુની બેનામી સંપતિ હોવાનું સામે આવ્યું છે, વધુમાં નિવૃત નાયબ મામલતદાર પાસેથી જગુઆર, ઓડી, BMW જેવી 11 તો લકઝરી કાર તો બંગલા સહિતની બેનામી સંપતિ હોવાનું સામે આવતા રાજ્યના મહેસુલી કર્મચારીઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા છે, તો આ કિસ્સો એ પણ સાબિત કરે છે ફરજ દરમિયાન બેનામી સંપતિ એકઠી કરી અને બાદમાં નિશ્ચિત થઇ જનાર નિવૃત કર્મચારી કે અધિકારી પર પણ એસીબી સકંજો કસી શકે છે તે આ બીજા કિસ્સા પરથી ફલિત થયું છે,
કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરામ દેસાઈએ અપ્રમાણસર મિલકત વસાવી હોવાની વિગતો મળી આવી હતી જેના આધારે ગુજરાત એસીબીએ તપાસ હાથ ધરી હતી. એસીબી તપાસમાં નિવૃત્ત નાયબ મામલતદારે 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ, 11 લક્ઝુરિયસ કાર આ ઉપરાંત રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ACBને 30 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં 4 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે નિવૃત મામલતદારની હોદાની રૂએ મેળવેલી આવક 24.97 કરોડ થયા છે. જ્યારે તેની સામે 55.45 કરોડ રોકાણ કર્યું છે. જેના આધારે તેમની પાસે હોદાની રૂએ મળેવેલી આવક કરતા 22 ટકા વધુ મિકલત મળી આવી છે એટલે કે, 30 કરોડની અપ્રમાણસર મિલકત થયા છે.
વિરમ દેસાઈ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનો પ્રમુખ હોઈ તેની વિરુદ્ધ તપાસની વાત લીક થાય તો આખી વાત પર પડદો પડી શકે તેવી સંભાવના હોવાથી એસીબીના ખાસ અધિકારીઓની એક સ્પેશિયલ ટીમ બનાવાઈ હતી. આ ટીમને ખાનગી રાહે મહેસૂલ વિભાગમાં જઈને વિરમ દેસાઈની માહિતી મેળવવાનું કામ સોંપાયું હતું. આ સમગ્ર કામગીરીના અંતે એસીબીને આધારભૂત પુરાવા હાથ લાગ્યા હતા. આ બધી જ માહિતી ભેગી કરીને તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય 6 વ્યક્તિને પણ આ કેસમાં આરોપી બનાવાયા હતા.