Mysamachar.in-અમદાવાદ:
વર્ષો અગાઉ હિન્દી ફિલ્મ ‘ પતિ, પત્ની ઔર વો’ આવી ત્યારે, ઘણાં લોકોએ આ ફિલ્મ મનોરંજન ખાતર અને ઘણાં બધાં લોકોએ આ ફિલ્મ ખાસ ઈરાદાઓ સાથે નિહાળેલી. પરંતુ આજના જમાનામાં પતિ અને પત્નીની જિંદગીઓમાં ‘વો’ ની એન્ટ્રી જાણે કે રૂટિન બની ગઈ છે, આ પ્રકારના સેંકડો કિસ્સાઓ જાહેર થઈ રહ્યા છે અને હજારો કિસ્સાઓ ખાનગીમાં હોવાનું હજારો લોકો ખાનગીમાં સ્વીકારે પણ છે.
અપરણીત કે પરણીત પુરૂષો અને મહિલાઓના કિસ્સાઓ અને લફરાં હવે જાણે કે, ગંભીર બાબત રહી નથી. આ અંગે સામાજિક છોછ પણ ઘટી રહ્યો છે. પ્રેમી સાથે મળી પતિને પરેશાન કરતી મહિલાઓ કે પ્રેમિકાઓ અને મહિલાઓ તેમજ પત્નીને અંધારામાં રાખી અન્ય પરણીત કે અપરણીત સ્ત્રી સાથે સંબંધ ધરાવતાં પુરૂષોની સંખ્યા સમાજમાં ચિંતાપ્રેરક પ્રમાણમાં વધી રહી હોય, લગ્ન નામની સંસ્થા સામે ભયસ્થાનો વધી રહ્યા છે.
મોબાઈલ, આઝાદી, સ્ત્રી સશક્તિકરણ, શારીરિક સંબંધોનું વધતું જતું ચલણ, મોજમજાની વૃત્તિઓ, રાતોરાત રૂપિયો ભેગો કરી લેવાની માનસિકતા જેવા અનેક કારણોસર સ્ત્રી અને પુરૂષ વચ્ચેના, ખાસ કરીને શારીરિક સંબંધ સમાજમાં આગની જવાળા માફક ફેલાઈ રહ્યા છે, અસંખ્ય પોલીસ ફરિયાદ પણ થઈ રહી છે, મર્ડર જેવા ઘાતકી ગુનાઓ પણ આવા કારણોસર થઈ રહ્યા છે. ટૂંકમાં, પતિ, પત્ની ઔર વો હવે માત્ર ફિલ્મ કે લેખનો વિષય રહ્યો નથી. જમાનો બધાં જ અર્થમાં ડિજિટલ બની ચૂક્યો છે.
અહીં રેકર્ડ પરના આંકડા આપ્યા છે. મહિલા હેલ્પલાઇન નંબર પર આવી રહેલાં ફોન અને બાદમાં દાખલ થતી ફરિયાદોની સંખ્યા મોટી થઈ રહી છે. ઓક્ટોબર-2024ની સ્થિતિએ, છેલ્લા એક જ વર્ષ દરમિયાન ગુજરાતમાં 10,101 મહિલાઓએ પોતાના પતિના લગ્નબાહ્ય સંબંધ અંગે 181માં કોલ કરી ફરિયાદ કરી છે. અમદાવાદ પ્રથમ અને સુરત બીજા ક્રમે છે. આ પ્રકારના કેસમાં સામાન્ય રીતે પ્રાથમિક ધોરણે પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ઘણાં કિસ્સાઓમાં સમજાવટથી બધું પતી જતું હોય છે.
ઘણાં કિસ્સાઓમાં આબરૂ જવાની બીકે, સંતાનોના લગ્નમાં વિઘ્ન આવશે તો, લગ્નજીવન તૂટી જવાની બીકે, સમાજજીવન બદનામ થઈ જશે- વગેરે કારણોસર પતિદેવો સમજી જતાં હોય છે. ઘણાં કેસમાં પુરૂષ જિદ્દી વલણ ધરાવતા હોય, ત્યારે પોલીસ કેસ- કોર્ટ કચેરી વગેરે બાબતો પણ બનતી હોય છે. અગાઉના સમયમાં કોઈના પણ લગ્નબાહ્ય સંબંધ છતાં થતાં તો જ્ઞાતિપંચ વગેરે દ્વારા અથવા ઘરમેળે ઉપાયો થતાં. હવે કાનૂની વિવાદો તથા પ્રક્રિયાઓ વધી છે. સંયુકત પરિવારોની સંખ્યા ઘટી ગઈ હોય, પતિ પત્ની વચ્ચે તડફડ થાય ત્યારે, મામલો ઠંડો પાડવા કોઈ હાજર હોતું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબર-2023થી એક વર્ષ દરમિયાન રાજ્યમાં 181 ને કુલ 2,16,361 ફરિયાદ મળી. કુલ કોલના 46 ટકા કોલ એટલે કે 99,705 કેસ ઘરેલુ હિંસાના હતાં. ટૂંકમાં, સમાજ બહારથી દેખાઈ રહ્યો છે- એટલો સુખી નથી.(symbolic image)