Mysamachar.in:રાજકોટ
રાજકોટ એરપોર્ટ પર રવિવારે રાત્રે ગજબની ઘટના બની. રાત્રે એક ફ્લાઈટનાં મુખ્ય પાયલોટે કહી દીધું : મારાં નોકરીનાં કલાક પૂરાં થયાં છે. આ ફ્લાઈટ હવે હું દિલ્હી નહીં લઈ જાઉં ! પાયલોટે આ જાહેરાત કરતાં, રાજકોટથી દિલ્હી માટેનાં આ વિમાનનાં 100 મુસાફરો રઝળી પડયા ! જેમાં 3 સાંસદ પણ હતાં.
દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઇટ નિર્ધારિત સમય મુજબ, રવિવારે સાંજે રાજકોટ આવી પહોંચી. આ ફ્લાઈટ રવિવારે રાત્રે 8 વાગ્યે દિલ્હી જવા ઉડવાની હતી, તે દરમિયાન ફ્લાઈટનાં મુખ્ય પાયલોટે જાહેર કરી દીધું કે તેની નોકરીનાં કલાકો પૂર્ણ થઈ ગયા હોય, હવે તે આ ફ્લાઈટ દિલ્હી નહીં લઈ જાય ! બાદમાં, 3 કલાક સૌ ચિંતામાં રહ્યા. દરમિયાન પાયલોટને મનાવવા દિલ્હીથી પણ ફોન આવ્યા. પરંતુ પાયલોટે પોતાની વાત પકડી રાખતાં, અંતે એરપોર્ટ ઓથોરિટીએ રાત્રે અગિયાર વાગ્યે જાહેર કર્યું હતું કે, આ ફ્લાઈટ રદ્ કરવામાં આવી છે ! રાત્રે અગિયાર વાગ્યે ત્રણ સાંસદ સહિતના એકસો જેટલાં મુસાફરો રઝળી પડયા.
એરપોર્ટ સતાવાળાઓએ એમ પણ જાહેર કર્યું હતું કે, હવે રદ્ થયેલી આ ફ્લાઈટ સોમવારે સવારે ઉપડશે. માય સમાચાર ડોટ ઈન ને સોમવારે મળેલો એક સંદેશો જણાવે છે કે, સોમવારે સવારે દસ વાગ્યા સુધી આ ફ્લાઈટ દિલ્હી જવા રવાના થવા પામી ન હતી ! 100 મુસાફરો સતત 14 કલાક પરેશાન રહ્યા ! આ ફ્લાઈટમાં રાજકોટનાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગર સાંસદ પૂનમબેન માડમ તથા તાજેતરમાં રાજ્યસભામાં ભાજપાનાં સાંસદ બનેલા કેસરીદેવસિંહ સહિત કુલ 100 મુસાફરો હતાં. જે સૌએ એર ઇન્ડિયાની ભંગાર મેનેજમેન્ટ વ્યવસ્થાને કારણે કલાકો સુધી હેરાન થવું પડ્યું !