Mysamachar.in:રાજકોટ
મહિલાઓ જ કેટલાંક કેસોમાં અને બનાવોમાં મહિલાની દુશ્મન પૂરવાર થતી હોય છે, આવો વધુ એક કેસ જાહેર થયો છે જેમાં રેપ કેસમાં એક મહિલાને પણ 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ થયો છે. આ મામલો છે રાજકોટ જિલ્લાનાં ધોરાજી શહેરનો. વર્ષ 2020માં ધોરાજીમાં દુષ્કર્મનો એક કેસ નોંધાયો. આરોપીનું નામ સંજયગર ઉર્ફે ચીકુ મેઘનાથી અને તેની પત્નીનું નામ ભાવના ઉર્ફે ભાવલી મેઘનાથી. તે બંનેની ઉંમર આશરે 40 વર્ષ.
2020નાં જાન્યુઆરીની એક રાત્રે દોઢ વાગ્યે ભાવના નામની આ મહિલાએ પોતાની ઓળખીતી 28 વર્ષની એક વિધવાનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો. આ વિધવા બે સંતાનોની માતા છે. વિધવાનાં ઘરનો દરવાજો ખૂલતાં જ ભાવના અને તેણીનો પતિ સંજય વિધવાનાં ઘરમાં ગયા. બાદમાં ભાવનાએ ઘરની બહાર નીકળી દરવાજો ઉપરથી બંધ કરી દીધો અને પોતે બહાર ચોકીદાર તરીકે બેસી ગઈ અને પંદર મિનિટ દરમિયાન વિધવા સાથે દુષ્કર્મ થયું અને ત્યારબાદ આ દંપતિ જતું રહ્યું. આ મતલબની ફરિયાદ આ વિધવાએ બનાવનાં ચાર દિવસ બાદ નોંધાવેલી.
અદાલતમાં એવું પણ જાહેર થયું છે કે આ બનાવનાં ત્રીજા દિવસે આ દંપતિએ વિધવાને માર મારેલો અને તેને કારણે આ વિધવાનાં શરીરનાં ગુપ્ત ભાગમાંથી રક્તસ્ત્રાવ થયો હતો. બાદમાં તેણી પોલીસ સ્ટેશન ગયેલી. પોલીસે NC કેસ નોંધ્યો હતો. જેતે સમયે વિધવાની બહેને રેપની ફરિયાદ ન નોંધાવવા પોતાની ફરિયાદી બહેનને જણાવેલું. જો કે પછી બીજા દિવસે ફરિયાદીએ રેપની ફરિયાદ દાખલ કરાવી.
અદાલતે આ કેસમાં કહ્યું કે, ફરિયાદ નોંધાવવામાં કેટલાંક કલાકોનો વિલંબ થયો છે પરંતુ તેનો મતલબ એ ન થઈ શકે કે, ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી છે. અદાલતે આઈપીસીની કલમો 376,114 અને 323 મુજબનાં આ ગુનામાં આરોપીઓ સંજયગર તથા તેની પત્ની ભાવનાને 10-10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે અને સાથેસાથે બંનેને રૂપિયા 5,500-5,500 નો દંડ પણ કર્યો છે. સજાનાં આ ચુકાદાને કારણે ધોરાજી શહેરમાં ચકચાર મચી છે કેમ કે સામાન્ય રીતે દુષ્કર્મ કેસમાં કોઈ મહિલાને આ પ્રકારની આકરી સજા ભાગ્યે જ કોઈ કેસમાં થતી હોય છે.