Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
દ્વારકા પંથકમાં રહેતી એક સગીરાનું અપહરણ કરી, તેણી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવા સબબના આજથી આશરે ચાર વર્ષ પૂર્વેના પ્રકરણમાં આરોપી એવા ચાર સંતાનોના પિતાને દ્વારકાની એડિશનલ સેશન્સ સદાલતે 10 વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂ. 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકા તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રી ગત તારીખ 30-11-2018 ના રોજ સવારના સમયે દૂધ દોહી અને દૂધ ભરવા જતા દ્વારકા તાલુકાના નાના ભાવડા ગામે રહેતો માલરાજ ઉર્ફે દેપો લાખણ હાદાભાઈ હાજાણી નામનો શખ્સ તેણીને લલચાવી, ફોસલાવીને ભગાડી ગયો હતો. આ અંગે તારીખ 15 ડિસેમ્બર-2018 ના રોજ સગીરાના પિતાએ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ પ્રકરણમાં આરોપી શખ્સ સગીરાને જુદી-જુદી જગ્યાએ લઈ જઈ અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યાનું ખુલવા પામ્યું હતું. પોલીસે આરોપી શખ્સને શોધી લીધા બાદ સગીરાની મેડિકલ તપાસણીમાં આ સગીરા ગર્ભવતી હોવાનું પૂર્વ પામ્યું હતું.જેથી તેના નમૂના લઈ ડી.એન.એ. ટેસ્ટ કરાવી, એફએસએલ પરીક્ષણ મારફતે અહેવાલો બાદ દ્વારકાની સેશન્સ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. દ્વારકાના એડિશનલ સેશન્સ જજ પી.એચ. શેઠ સમક્ષ આ સમગ્ર કેસ ચાલી જતા ભોગ બનનાર સગીરાની જુબાની, મેડિકલ ઓફિસરની જુબાની તથા એફ.એસ.એલ. રિપોર્ટ વિગેરેને સાથે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાને લઈ, અદાલત દ્વારા આરોપી માલરાજ ઉર્ફે દેપો હાજાણીને તકસીરવાન ઠેરવી, જુદી જુદી કલમ હેઠળ દસ વર્ષની સખત કેદ તેમજ રૂપિયા 20,000 ના દંડની સજા અને જો દંડ ના ભારે તો વધુ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને ગુજરાત કમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા બે લાખ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.