Mysamachar.in-જામનગર:
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક મામલો 5-6 વર્ષથી ચાલી રહ્યો છે, અગાઉ સમિતિના 10 શિક્ષકોને શો-કોઝ નોટિસ આપવામાં આવેલી, છતાં આ મામલો પૂરો થયો નથી. હવે આ શિક્ષકોને 20 જૂન આખરી તક તરીકે આપવામાં આવી છે. આ શિક્ષકો દ્વારા ચાલુ નોકરીએ ઉચ્ચ શિક્ષણ મેળવવામાં આવ્યું પણ તેમાં નિયમોને ચાતરવામાં આવ્યા. આથી ખુલાસો પૂછાયો છે.
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ મહિનાના પ્રારંભે આ શિક્ષકોને શો-કોઝ નોટિસ આપી છે. જેમાં જણાવાયું છે કે, અગાઉ તમોને નોટિસ અપાયા છતાં તમોએ જવાબો આપ્યા નથી. આધારો રજૂ કર્યા નથી. હવે 20 જૂન સુધીમાં આ શિક્ષકોએ લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે.

શિક્ષણ સમિતિના આ ઓડિટ અહેવાલ તાજેતરમાં લોકલ ફંડ ઓડિટ દ્વારા ચકાસતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, આજથી પાંચેક વર્ષ અગાઉ હિસાબો ચકાસવામાં આવેલાં. જેતે સમયે વર્ષ 2000 થી વર્ષ 2020 દરમિયાન નોકરીના સમયમાં જે શિક્ષકોએ ઉચ્ચ અભ્યાસ કરેલો તેની વિગતો રજૂ થઈ. અચરજની વાત એ છે કે, આ શિક્ષકોએ નોકરી છતાં ફૂલટાઈમ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે, એવું અન્વેષણ નોંધ કહે છે.
આ મુદ્દે શિક્ષકોએ સ્પષ્ટતાઓ કરવાની રહે. આ શિક્ષકોએ એવી બાંહેધરી આપેલી કે, આ અભ્યાસથી નોકરીમાં વિક્ષેપ નહીં પડે. માત્ર બાંહેધરીથી ઉચ્ચ અભ્યાસ કરવો નિયમ વિરુદ્ધ છે. આ શિક્ષકોએ જામનગર હેડ કવાર્ટર છોડી ઉચ્ચ અભ્યાસ કર્યો છે, જેની મંજૂરીઓ મેળવી હોય, તેના આધારો આપ્યા નથી. આવી મંજૂરીઓ આપવામાં આવી હોય તો પણ જવાબદારોએ સ્પષ્ટતાઓ કરવાની રહે. આ પ્રકારના શિક્ષકોના પગાર ભથ્થા પણ કપાઈ શકે છે.

જામનગરના જે શિક્ષકોને આ શો-કોઝ નોટિસ આપવામાં આવી છે તેમાં, રંજનબેન નકુમ- હરેશભાઈ ચાવડા- હેતલબેન રાડીયા- બીનાબેન પોપટ- પારૂલબેન હેરભા- રીનાબેન રાજકોટીયા- મિતુલબેન પીઠીયા- જયદેવસિંહ પરમાર- દક્ષાબેન બગરીયા અને નયનાબેન મારવાણીયાનો સમાવેશ થાય છે. આ તમામ સંબંધકર્તા મદદનીશ શિક્ષકો છે.
