Mysamachar.in-રાજકોટ:
એક કારમાં 1 પુરૂષ અને 3 મહિલાઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં, તે દરમિયાન એક બ્રિજ પર આ કાર કોઈ કારણસર બેકાબૂ બની, બ્રિજની દીવાલ સાથે કારની જોરદાર ટક્કર થઈ અને કાર નદીનાં પાણીમાં ખાબકી. કારમાં સવાર ચારેય મુસાફરો મોતનો શિકાર બની ગયા. આ ઘટનાએ પાટીદાર સમાજમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ પાટીદાર પરિવાર ધોરાજીનો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. આ અકસ્માત ભાદર-2 નદીમાં બન્યો છે.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાથમિક વિગતો એવી છે કે, જામજોધપુર તાલુકાના માંડાસણ ગામથી રવાના થયેલી એક કારમાં ધોરાજીના ચાર લોકો, એક આધેડ પુરૂષ અને પરિવારના ત્રણ મહિલાઓ, ધોરાજી તરફ જઈ રહ્યા હતાં. દરમિયાન, ઉપલેટા-ધોરાજી વચ્ચેના હાઈવે પર ભાદર-2 નદીના બ્રિજ પરથી આ કાર પસાર થઈ રહી હતી ત્યારે, ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતાં આ કાર બ્રિજની સિમેન્ટ કોંક્રીટની પાળી સાથે જોરદાર રીતે ટકરાઈ અને પાળીનો અમુક હિસ્સો તૂટી પડ્યો. આ સાથે જ કાર નદીમાં ખાબકી. કારમાં બેઠેલાં તમામ ચારેય લોકો પાણીમાં ડૂબી જવાથી મોતનો કોળિયો બની ગયા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહ કાંઠા પર લાવવામાં આવ્યા અને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા. એમ કહેવાય છે કે, કારનું ટાયર ફાટી જવાથી આ ઘાતક અકસ્માત સર્જાયો…
મૃતકો અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે, આ તમામ ચારેય લોકો ધોરાજીમાં જેતપુર રોડ વિસ્તારમાં વસવાટ કરતાં હતાં અને માંડાસણથી પરત ધોરાજી આવી રહ્યા હતાં તે સમયે આ અકસ્માત સર્જાયો. પોલીસ તપાસ માટે અકસ્માત સ્થળ પર પહોંચી ચૂકી હતી. અને, ચાર મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની ગતિવિધિઓ આગળ ધપાવી હતી. આ પ્રાણઘાતક અકસ્માતને પગલે ધોરાજી પંથકમાં પાટીદાર સમાજમાં અરેરાટી અને શોક વ્યાપી ગયા છે. આ બનાવની જાણ થતાં ધોરાજી હોસ્પિટલ ખાતે પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતાં.