Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટે.ચેરમેન નીલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં એક મુદ્દો મહત્વનો રહ્યો જેની વિગતે વાત કરવામાં આવે તો વર્ષો પૂર્વે ભવિષ્યના કોઈ આયોજનની દરકાર લીધા વિના ખોડીયાર કોલોનીથી માંડીને છેક દિગ્જામ સર્કલ સુધી બ્યુટીફીકેશનનો કરોડોનો ખર્ચ કરી અને રોડ “દબાવી” દેવામાં આવ્યો હતો
જે બાદ હવે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થિતિ એવી છે કે આ ઓશવાળ સેન્ટરથી શરુ કરીને છેક દિગ્જામ સર્કલ સુધી દિવસ રાત 24 કલાક બન્ને તરફે ભારે મોટાભાગે ટ્રાફિકજામ રહે છે પરિણામે આ વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિકો અને પસાર થતા વાહનચાલકો હાડમારી ભોગવે છે. અને કેટલીયવાર અકસ્માતો પણ થાય છે.
વધુમાં જે જગ્યાએ બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે તેમાં લારી ગલ્લાવાળા પોતાનો ધંધો બિન્દાસ્ત કરે છે કેટલાય દબાણો સ્થાયી તો કેટલાક અસ્થાઈ છે.આમ રોજબરોજની ટ્રાફિક સમસ્યા કદાચ વર્ષો બાદ હવે મનપાને કાને પહોચી છે અને આ વિસ્તારમાં માર્ગ પહોળો કરવાની હિલચાલ શરુ થઇ હોય તેમ આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઓશવાળ સેન્ટર થઇ ખોડીયાર કોલોની અને દિગ્જામ સર્કલ સુધી હયાત ફોર ટ્રેક રોડને આશ્ફાલ્ટ સીક્સલેન વાઈડનીંગ કરવા માટે 1502.47 લાખનો માતબર કહી શકાય તેવો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.જેનાથી હવે આગામી સમયમાં અહી ભાંગતોડ અને દબાણો દુર કરીને સિક્સલેન રસ્તાનું નિર્માણ કરવામાં આવશે.
























































