Mysamachar.in-જામનગર:
લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણતાના આરે છે, ત્યારે આજે લોકડાઉન પાર્ટ-3 ની જાહેરાત પણ કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે, હાલ સુધી તો જામનગર ઓરેન્જ ઝોનમાં છે, અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે, ત્યારે જો જામનગરના ગ્રીન ઝોન જાહેર કરવામાં આવે તો જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા કલેક્ટર સમક્ષ જીઆઇડીસી સહિતના તમામ વેપાર ઉદ્યોગો અને દુકાનોને પહેલાની જેમ સંપૂર્ણપણે કાર્યરત કરવાની માંગણી કરી છે,
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા જે વેપારને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે, તેવી તમાકુ બીડી, ચા-પાણીની હોટલો હેર સલૂન જેવી દુકાનો કાર્યરત નહીં કરવાની સહમતી દર્શાવી હતી, ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે જામનગર જિલ્લાની તમામ હદને સીલ કરી દેવામાં આવે અને સ્થાનિક લોકોની અવર જવર રહેવા પામે જેથી કોરોનાના વાયરસ જિલ્લામાં પ્રવેશી શકે નહીં,
આ ઉપરાંત જીઆઇડીસી એરિયામાં સવારે આઠ વાગ્યાથી છ વાગ્યા સુધી તમામ દુકાનો કાર્યરત રાખવામાં આવે તેમજ શહેરના તમામ વેપાર ધંધાઓ પહેલીની જેમ જ કાર્યરત થાય તો લોકોને તેમની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તેમજ વેપારીઓને આવકની સાથો-સાથ રોજગારી મેળવનારા લોકોને રોજગારી પણ મળી રહે તેવી દરેક બાબતોની રજૂઆત પણ કલેકટર અને જીલ્લાના પ્રભારીમંત્રી સૌરભ પટેલ સાથે ટેલીફોનીક વાતચીતમાં કરી હોવાનું બિપેન્દ્રસિંહએ જણાવ્યું હતું.