Mysamachar.in-અમદાવાદ:
જામનગર-રાજકોટ કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં પશુઓને કારણે કરોડો નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. મહાનગરપાલિકાઓ આ સમસ્યાઓનો ઉકેલ શોધી શકી નથી, આથી હવે સરકારે નક્કી કર્યું કે, AI ટેકનોલોજિ અને CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી આવા પશુઓના માલિકોને શોધી લેવા અને દંડ તથા FIR સહિતની ગતિવિધિઓ શરૂ કરવી.
માણસમાં ફિંગરપ્રિન્ટ યુનિક હોય છે તે રીતે આ ચોપગા પશુઓમાં તેના નાક સહિતના ચહેરાની રચના યુનિક હોય છે, તેના ફોટા લેવામાં આવશે, CCTV કેમેરાનો ભરપૂર ઉપયોગ થશે. આ ફોટા, AI ટેકનોલોજિ, પશુઓમાં લગાડવામાં આવેલી ચિપ્સ અને કાનમાં લગાડવામાં આવેલાં ટેગ- આ બધી જ બાબતોનો ઉપયોગ કરી, રસ્તાઓ પર રખડતાં આવા પશુઓ શોધી કાઢવામાં આવશે અને તેની મદદથી તંત્ર તે પશુઓના માલિકને ટ્રેસિંગ કરી લેશે અને ત્યારબાદ આ માલિક વિરુદ્ધ દંડકીય કામગીરીઓ અને FIR નોંધવા સહિતની કામગીરીઓ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ગાંધીનગર ખાતે CMના નેતૃત્વમાં AI સેન્ટર ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી છે. આ સેન્ટર AI ટેકનોલોજિનો ઉપયોગ રાજ્યના નાગરિકોની તકલીફ અને સમસ્યાઓ નિવારવા પણ કરશે.
CCTV મારફતે પશુઓના ફોટા લીધાં બાદ ચિપ્સ, RFID ટેગના આધારે AI ડેટાની મદદથી પશુઓની અને બાદમાં તેના માલિકોની ઓળખ થશે. હાલમાં આ બધી કામગીરીઓ કર્મચારીઓ દ્વારા થઈ રહી છે, જેમાં ચોક્કસપણું ઓછું અને વિલંબ વધુ છે. આથી કામગીરીઓમાં ચોકસાઈ વધારવા તથા વિલંબ ટાળવા-સમય બચાવવા AI ડેટા અને ટેકનોલોજિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.
આ માટે એક મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલની મદદથી કોઈ પશુ કોઈ જગ્યાએ ઉભું હશે, એ જ સમયે (Real-Time) તે પશુના માલિકની વિગતો આ સેન્ટરમાં તથા સંબંધિત કોર્પોરેશનમાં પહોંચી જશે, જેના આધારે જેતે મહાનગરપાલિકા તે પશુમાલિક વિરુદ્ધ કાર્યવાહીઓ હાથ ધરશે. સરકારનો ભરોસો એવો છે કે, આ પ્રકારની પ્રોસેસ સફળ થશે, પશુઓના માલિકોની ઓળખ રેકર્ડ પર આવી જતાં જ, એ જ સમયે મહાનગરપાલિકા તે પશુમાલિકનો સંપર્ક સાધી શકશે, જરૂરી સૂચનાઓ આપી શકશે, તેના વિરુદ્ધ દંડકીય કામગીરીઓ કરી શકશે અને તેના વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવી શકશે. હાલમાં આ કામગીરીઓ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદમાં અને બાદમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શરૂ થઈ શકશે.
























































