Mysamachar.in-જામનગર:
દહેજ ભૂખ્યા સાસરિયાઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારનાર પોલીસમેન પતિ સહિતના સાસરિયાઓ સામે પરિણીતાએ જામનગર મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,જાહેર થયેલ વિગતો એવી છે કે જામનગરમાં શરૂશેકસન રોડ પર પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા અને સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલિસ કર્મચારીની બહેન પૂનમબાના લગ્ન અમરેલીમાં રહેતા અને ત્યાં જ પોલીસમા ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઇન્દ્રજીતસિંહ દિલુભા ગોહિલ સાથે થયા હતા, જે લગ્ન થકી તેઓને એક પુત્રનો જન્મ થયો હતો.
લગ્નની શરુ શરુમાં પૂનમબાને સારી રીતે રાખ્યા પછી પૂનમબાને તેણીના પોલીસ પતિ સાસુ અને બે નણંદ સહિતના સાસરીયાઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારવાની શરૂઆત કરી હતી, અને દહેજ પેટે પૈસા અને અન્ય ચીજ વસ્તુઓની માંગણી કરવામાં આવી હતી.જે માંગણી પૂનમબા સંતોષી શક્યા ન હતા, ઉપરાંત-પોલીસ કર્મચારી પતિ ઇન્દ્રજીતસિંહ ગોહિલ કે જે અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતો હોવાથી પૂનમબાને તરછોડી દીધી હતી, અને સગીર સંતાન સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી.જે બાદ તેણીએ જામનગર ખાતે તેના માવતરે આવી અને પોલીસની મદદ લેતા પોલીસે કાઉન્સેલિંગ કરી સમજાવવાના પ્રયાસો કર્યા પણ મામલો થાળે ના પડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ફરિયાદમાં પોલીસકર્મી પતિ ઇન્દ્રજીતસિંહ ગોહિલ ઉપરાંત સાસરિયા પક્ષના સાસુ ગુણવંતબા દિલુભા ગોહિલ, નણંદ ચેતનાબા કનકસિંહ જાડેજા, દિપાલીબા પરાક્રમસિંહ જાડેજા સામે દહેજ પ્રતિબંધક ધારાની કલમ, તેમજ સ્ત્રી અત્યાચાર ધારા હેઠળની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.