Mysamachar.in-જામનગર:
થોડાં થોડાં દિવસના અંતરે એવું જાહેર થતું હોય છે કે, તંત્રોની બધે જ નજર છે. સબ સલામત છે. અને ક્યાંય પણ ચકલુંયે ન ફરકી શકે એવી જડબેસલાખ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પૂરતો બંદોબસ્ત છે. કડક ચેકિંગ છે. અને તંત્રો ચુસ્તીથી ફરજો બજાવી રહ્યા છે. પછી, અચાનક એકાદ એવા સમાચાર પ્રગટ થઈ જાય, કે સબ સલામતની બધી જ વાતો મજાક બનીને રહી જાય. તંત્રો કોઈને મોઢું દેખાડવા જેવા ન રહે. જામનગરમાં વધુ એક વખત આમ બન્યું છે.
જામનગર અને દ્વારકા જિલ્લામાં ઘણી વખત એવું જાહેર થતું રહે છે કે, ફલાણા અંતરિયાળ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી શરાબનો વિશાળ જથ્થો ઝડપી લેતી ફલાણી પોલીસ. લાખોનો મુદામાલ ઝડપાઈ ગયાની જાહેરાતો હોંશે હોંશે કરવામાં આવે અને ફોટોસેશન પણ થાય. ઘણી વખત તો પત્રકાર પરિષદ પણ યોજાઈ જાય અને તેમાં રંગચંગે જાહેરાત થાય.
આ પ્રકારના સમાચારો જાણી સામાન્ય લોકોને પ્રશ્ન એ થાય કે, શરાબનો આટલો જથ્થો ઘણાં બધાં રાજયો અને ગુજરાતના હાઈવે ચીરી, જામનગર અને દ્વારકા જિલ્લાઓની હદો ચીરી- એ અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો કેવી રીતે ?! સૌ સંબંધિત તંત્રો કયાં હતાં ?! શું કરતાં રહ્યા ?!
આવો જ વધુ એક બનાવ બન્યો. જામનગર નજીક દરેડમાં, એક પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં એક ગોદામમાં શરાબનો એક વિશાળ જથ્થો અનલોડ થઈ ગયો. ત્યાંથી શરાબનો અમુક જથ્થો અન્ય એક વાહનમાં લોડ થઈ ગયો. રાજકોટ નજીકના થોરાળા તરફ આ જથ્થો જઈ રહ્યો હતો ત્યારે ગાંધીનગરની ટૂકડી આ જથ્થાને રાજકોટ જિલ્લામાં ઝડપી લ્યે ત્યાં સુધી રાજકોટ અને જામનગર પોલીસને ગંધ પણ ન આવે. પછી ગાંધીનગરની ટૂકડી આ જથ્થાનું પગેરું શોધતી છેક જામનગર આવી પહોંચે અને જામનગર નજીક દરેડમાંથી શરાબનો વિશાળ જથ્થો શોધી કાઢે !
દરેડમાં આ ગોદામ ભાડે રાખનાર પરપ્રાંતિય બુટલેગરોની વિગતો, જામનગર પોલીસ પાસે ન હતી. ખુદ ગોદામના માલિકને ખબર ન હતી કે, ગોદામનો ઉપયોગ શું થાય છે ?! પરપ્રાંતિય શખ્સો જામનગર પંથકમાં શું કરે છે? એ અંગે જામનગર પોલીસ અજાણ ! પરપ્રાંતિયો અંગેના જાહેરનામાઓ માત્ર કાગળિયા! જામનગર નજીક શરાબના આટલાં મોટાં જથ્થાની હેરફેર અંગે પણ સૌ અજાણ !
હવે જામનગર એસપી એ આ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. તપાસનાં અંતે કસૂરવારોને શોધી કાઢવામાં આવશે. સમગ્ર જિલ્લા પર નજર રાખતી ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં સત્ય શોધી કાઢશે પછી, એસપી દ્વારા એકશન પણ લેવાશે. શરાબનો આ જથ્થો ચોક્કસ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સબક પૂરવાર થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતાં, કહેવાતાં તમામ પ્રકારના ચેકિંગની આ પ્રકરણે વધુ એક વખત પોલ ખોલી નાંખી છે, હવે આબરૂ બચાવવા કંઈક નવાજૂની થશે એવું સમજાઈ રહ્યું છે.