Mysamachar.in-સુરત:
સુરત ક્રાઇમ બ્રાન્ચનો એક ASI રૂ. પાંચ લાખની લાંચ સ્વીકારવા માટે એક સ્થળે ગયો પરંતુ એ સ્થળ પર, તેના અચરજ વચ્ચે, લાંચ રૂશવત વિરોધી શાખાની ટીમ પ્રગટ થઈ, ટીમને જોઈ આ ASI ભાગી છૂટ્યો. જો કે ASI નો ભાઈ ઝડપાઈ ગયો છે. સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચના સિંઘમ તરીકેની છાપ ધરાવતા ASI સાગર પ્રધાન વિરુદ્ધ ACB એ ગુનો દાખલ કર્યો છે. તેના ભાઇ ઉત્સવ પ્રધાનની ધરપકડ થઈ છે.
મુંબઈ પોલીસમાં ફ્રોડ મામલે એક કેસ દાખલ થયેલો છે. આ કેસનો આરોપી સુરતનો એક વેપારી છે. આ વેપારીની ધરપકડ ન કરવા માટે અને જપ્ત કરવામાં આવેલો મુદ્દામાલ પરત આપવાની શરતે, આ ASI એ આરોપી વેપારી પાસે રૂ. 15 લાખની લાંચ માંગી હતી પરંતુ બાદમાં રકઝકના અંતે, આરોપી વેપારી આ ASI ને રૂ. પાંચ લાખ આપશે એવું નક્કી થયેલું. રૂ. પાંચ લાખની આ લાંચ લેવા ASI નક્કી કરેલાં સ્થાન પર પહોંચે એ પહેલાં આરોપી વેપારી (આ કેસનો ફરિયાદી)એ ACBનો સંપર્ક સાધી ASI વિરુદ્ધ લાંચની માંગની ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. તેથી આ ASI લાંચની રૂપિયા પાંચ લાખની રકમ લેવા નિર્ધારીત જગ્યા પર પહોંચ્યો, ત્યાં તેને ખબર પડી ગઈ કે, ACBની ટીમ આ જગ્યા આસપાસ જ ક્યાંક છે, આથી આ ASI લાંચની રકમ લીધાં વગર ભાગી ગયો.
આ કેસનો ફરિયાદી સુરતનો કતારગામ વિસ્તારનો રહેવાસી છે જે મુંબઈના એક છેતરપિંડી કેસમાં આરોપી છે. તેણે મુંબઈની એક કંપની સાથે છેતરપિંડી કરી છે. મુંબઈ પોલીસ તેને શોધે છે. અને આ મામલાની તપાસ મુંબઈ પોલીસે ક્રાઈમ બ્રાન્ચના સાગરને (બારોબાર) સોંપી હતી. સાગર પ્રધાને સુરતના આ વેપારીના ભાગીદારની ધરપકડ કરી હતી અને તેની ઓફિસમાંથી કોમ્પ્યુટર સહિતની કેટલીક ચીજો કબજે લઈ લીધી હતી. આ શખ્સની સોંપણી મુંબઈ પોલીસને કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સાગર પ્રધાને આ સુરતી વેપારીની ધરપકડ ન કરવા તથા તેના ભાગીદારને ત્યાંથી કબજે લેવામાં આવેલ ડાયમંડ અને કોમ્પ્યુટર સહિતની ચીજો પરત અપાવી દેવા આ સુરતી વેપારી પાસે રૂ. 15 લાખની લાંચની માંગ કરી હતી. જેમાં છેલ્લે રૂ. પાંચ લાખની વાત થયેલી.
બાદમાં, સાગર પ્રધાન તથા તેનો ભાઇ ઉત્સવ પ્રધાન કતારગામ સુરતમાં આવેલાં મુંબઈ તડકા નામના રેસ્ટોરન્ટ પાસેની જગ્યા પર આ લાંચ લેવા ગયેલા. તે દરમિયાન ઉત્સવ ઝડપાઈ ગયો અને સાગર પ્રધાન ACBના છટકામાં ઝડપાયો નહીં, આ ‘સિંઘમ’ ભાગી ગયો. ACB તેને શોધે છે પણ તેનો ફોન ટ્રેસ થતો નથી અને આ સાગર ભૂગર્ભમાં જતો રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સાગર પ્રધાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એક્ટિવ રહેવાનો શોખીન છે. જ્યાં તે પોતાની ઓળખ PSI તરીકે આપે છે. તે પોતાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ વિંગનો PSI લેખાવે છે અને 29,000 જેટલાં ફોલોઅર્સ ધરાવે છે. સુરત પોલીસ ઘણી વખત વિવાદમાં આવતી રહી છે. અગાઉ પણ પોલીસ અધિકારીઓ લાંચ છટકામાં ઝડપાયા છે. ACBએ ગુના દાખલ કરેલાં છે. અને, અગાઉ સુરત પોલીસના એક તોડ કેસને કારણે ખુદ સુપ્રિમ કોર્ટે ત્યાંના પોલીસ કમિશનરની પણ ઝાટકણી કાઢી હતી.