Mysamachar.in-અમરેલી:
લગ્નનોંધણી માટેની જે સરકારી વ્યવસ્થા છે, તેમાં કોઈ પ્રકારનું કૌભાંડ હોય શકે કે કેમ ? આ પ્રશ્ન હાલ ચર્ચાઓમાં આવ્યો છે. કેમ કે, બગસરા તાલુકાના 3 ટચૂકડા ગામો એવા છે, જ્યાં હજારો લગ્નોની નોંધણી થઈ. આ નાના નાના ગામોની વસતિ સાવ ઓછી છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લોકો અમરેલી જિલ્લાના તાલુકામથક બગસરાને નકલી દાગીના એટલે કે, ઈમિટેશનના ધામ તરીકે ઓળખે છે. અહીં એવા દાગીના પણ ધૂમ વેચાણ થાય છે, જે દેખાય સોનાના પણ હોય નકલી. આ જ બગસરા તાલુકો હવે લગ્નનોંધણી મામલે ચર્ચાઓમાં આવ્યો છે.
બગસરા તાલુકામાં 3 નાના ગામ આવેલાં છે. જેના નામ લુંધીયા (વસતિ 2,683), જામકા (વસતિ 1,126) અને હામાપુર જેની વસતિ 4,424 લોકોની છે. લુંધીયામાં 561 રહેણાંક મકાન છે. આ ગામમાં 285 લગ્નોની નોંધણી થઈ. જામકા ગામમાં 225 ઘર છે, આ ગામમાં 944 લગ્નની નોંધ દાખલ થઈ. હામાપુર ગામમાં 827 ઘર છે, અહીં 1,341 લગ્નની નોંધણી થઈ. લગ્નોની આ બધી જ નોંધણીઓ 2020, 2021 અને 2022 માં થઈ છે. જે પ્રથમ દ્રષ્ટિએ કાગળ પરની કોઈ રમત હોવાનું દેખાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ 2020,2021 અને 2022 માં કોરોનાકાળને કારણે મોટાભાગના લગ્નો પાછાં ઠેલાયેલા, ઘણાં લગ્નો મર્યાદિત લોકોની હાજરીમાં સંપન્ન થયા. લોકડાઉનને કારણે વરઘોડા નીકળતા ન હતાં. આવા સમયમાં બગસરાના આ 3 નાના નાના ગામમાં 2,570 લગ્નોની નોંધણી થઈ.

જૂનાગઢના એક નિવૃત સરકારી અધિકારીએ આ આખા મામલામાં કૌભાંડની આશંકા વ્યકત કરી, રાજ્ય સરકારમાં તપાસની માંગ કરી છે. કારણ કે, આ 3 નાના ગામમાં જે લગ્નો નોંધાયેલા છે તે દંપતિઓ રાજ્યના જુદાં જુદાં 13 જિલ્લાઓમાં રહે છે અને આ બધાંના લગ્નો નોંધાયા આ 3 ગામોમાં !
રજૂઆત કરનાર આ વ્યક્તિ જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહે છે. કે.કે.ટાંક નામના આ ફરિયાદી અગાઉ સરકારમાં ખેતી વિસ્તરણ અધિકારી હતાં. તેમણે રાજ્યના લગ્ન નોંધણી રજિસ્ટ્રાર સમક્ષ આ લેખિત ફરિયાદ કરી છે. આ નિવૃત અધિકારીએ આ કૌભાંડ અંગે ભૂતકાળમાં બગસરા ટીડીઓ અને અમરેલી ડીડીઓને પણ આ વિગતો આપી હતી. પરંતુ કોઈ જ તપાસ થઈ નહીં. આથી હવે આ મામલો ગાંધીનગર લઈ જવામાં આવ્યો છે.
લગ્નોની આ જે નોંધ દાખલ થઈ છે તેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના 39 દંપતિ છે. જામનગરના 17 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 કેસ છે. રાજ્યના 13 જિલ્લાઓના 2,500થી વધુ દંપતિઓ લગ્ન નોંધ માટે આ 3 ટચૂકડા ગામોમાં પહોંચ્યા હતાં ! અત્રે ઉલ્લેખનિય છે કે, આ સમયગાળા દરમ્યાન આ 3 ગામોમાં એક પણ સમૂહલગ્ન યોજાયા ન હતાં, છતાં અહીં હજારો લગ્નો શા માટે નોંધાયા ?! તે પ્રશ્ન ઉઠ્યો.(symbolic image)
