mysamachar.in-જામનગર:
રીલાયન્સ કંપની કથિત પ્રદૂષણ ફેલાવતી હોવાથી ગેસ ગળતર અને ધુમાડાના કારણે કાનાલુસ ગામ અને આસપાસના લોકોને પ્રદૂષણનો સામનો કરવો પડે છે,તેવા આક્ષેપો સાથે આ કંપની સામે Cr.P.C.ની કલમ ૧૩૩ મુજબ પગલાં લેવા કાનાલુસ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ કલેકટરને રજૂઆત કરી છે,
કાનાલુસ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો કલેક્ટરને કરેલ લેખિત રજૂઆત આ પ્રમાણે છે,
કાનાલુસ ગ્રામ નજીક આવેલ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દર શીયાળા અને ઉનાળામાં પવનના કારણે બેફામ કોલસીની ભુકી ચારે તરફ ઉડવા પામે છે,
આ ઇન્ડસ્ટ્રીઝ ચીમનીઓ વાટે ગંભીર ગેસ ગળતર અને ધુમાડા તથા દુર્ગંધ તેમજ વિશાળ કોલસીના ઢગલાઓ કે જેને કારણે બેફામ પ્રદૂષણ ફેલાય છે,જેથી કાનાલુસ ગામ અને આસપાસના લોકો પ્રદૂષણનો સામનો કરવો પડે છે,
ચોમાસા દરમ્યાન આ કોલસી પાણીમાં પલળી નજીકના સરકારી ચેકડેમો,નદી નાળાઓને પણ પ્રદુષિત કરી પન્ના નદીમાં વહી પન્ના ડેમના પાણીને પણ પ્રદુષિત કરે છે અને હવા તથા પાણી બન્નેમાં ભયંકર રીતે પ્રદૂષણ ફેલાવી ગંભીર સમસ્યા વર્ષોથી ઉદભવે છે,
આમ ઉપરોક્ત ઇન્ડસ્ટ્રીઝ ઉપર અમારા કાનાલુસ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવના રૂપે તેમજ અન્ય લોકો દ્વારા પણ અવાર નવાર અનેક ફરીયાદો પણ સ્થાનિક કક્ષાએથી કરવામાં આવેલ છે,તેમ છતાં ઇન્ડસ્ટ્રીઝના જવાબદારોના પેટનું પાણી પણ હલતું નથી અને બેફામ પ્રદૂષણથી ખેતી અને પ્રજાના જાહેર જીવન સાથે ચેડાં કરી આ વિસ્તારને પ્રદુષિત કરે છે,ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સામે કાયદાની જોગવાઇઓ મુજબ Cr.P.C. ની કલમ:૧૩૩ અન્વયે ગુન્હો નોંધી કેસ દાખલ કરી જવાબદારો અને કંપની સામે પગલાં લેવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે,
લાલપુર પ્રાંત અધિકારી ભોરાણી શું કહે છે…
કાનાલુસ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ કંપની સામે કરેલ રજૂઆત અંગે લાલપુરના પ્રાંત અધિકારી ભોરાણીની my samachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે,હાલ સુધી મારી પાસે કાનાલુસ ગ્રામ પંચાયતની ફરિયાદ આવેલ નથી,કલેક્ટર કચેરીથી રીપોર્ટ આવશે તો તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું.
ફરિયાદ મળ્યે જરૂરી તપાસ થશે:પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી…
જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી સૂત્રેજાએ my samachar.inને પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે,ઘણી ફરિયાદો મળે છે અને નિકાલ પણ કરવામાં આવે છે,આપ જણાવો છો ત્યારે કાનાલુસ ગ્રામ પંચાયતની ફરિયાદ અમારી કચેરીએ આવશે ત્યારે તપાસ કરવામાં આવશે તેવું અંતે જણાવ્યુ હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો