Mysamachar.in-જામનગર:
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગત્ શનિવારે અને રવિવારે આગાહી કરવામાં આવી હતી કે, રાજ્યમાં વિવિધ સ્થળો પર રવિવારથી મંગળવાર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદ તથા ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. આ આગાહી મહદ્અંશે સાચી પડી છે. અંદાજે 60 તાલુકામથકો પર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો વધતો વરસાદ થયાના અહેવાલો છે. જો કે ઘણાં પંથકો એવા પણ છે જ્યાં માત્ર વાતાવરણ પલટો થયો છે વરસાદ નોંધાયો નથી.
જામનગર શહેર અને જિલ્લાના કાલાવડ પંથકમાં કાલે સોમવારે સાંજથી વાતાવરણ પલટો દેખાયો હતો અને રાત્રે ગાજવીજ સાથે હળવા ઝાપટાં વરસી ગયા છે. રસ્તાઓ ભીનાં થઈ ગયા હતાં જો કે પાણી વહેવાનું શરૂ થઈ જાય એટલો ભારે વરસાદ થયો નથી, કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં સારાં ઝાપટાં નોંધાયા. જામનગર શહેરમાં રાત્રે ગાજવીજ નોંધપાત્ર રહી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ માત્ર વાતાવરણ પલટો જ અનુભવાયો, લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના અહેવાલો છે. કાલાવડ પંથકમાં પણ સામાન્ય ઝાપટાંના અહેવાલો છે. જો કે સૌરાષ્ટ્ર ગુજરાતના 60 તાલુકામથક પર તથા ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદના અહેવાલ છે.
અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ તથા ભાવનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં 38 મીમિ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડયાના સમાચાર છે. મુખ્યમંત્રીએ હવામાન પરિવર્તનને ધ્યાનમાં રાખી સ્ટેટ કંટ્રોલ રૂમ સહિતની વ્યવસ્થાઓ અંગે જરૂરી પૂછપરછ કરી હતી અને સૂચનાઓ આપી હતી. વરસાદી નુકસાનની સમીક્ષા કરવા પણ સંબંધિતોને જણાવ્યું છે.
ખાસ કરીને અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઘણાં સ્થાનો પર કમોસમી વરસાદ ધોધમાર પડયાના અહેવાલ છે. કેટલાંક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા છે, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાયા છે, વીજળીથી બે માનવ જિંદગીઓ અને 29 બકરાંના મોત થયા છે. અન્ય એક માનવ મોત કાચું મકાન ધસી પડવાથી થયું છે. અને જામનગર તથા ખંભાળિયા સહિતના સેંકડો પંથકમાં રાત્રે વરસાદ સમયે વીજપૂરવઠો ગાયબ થવાથી લાખો લોકો અકળાયા હતાં.