Mysamachar.in-જામનગર:
જામનગરનું ખિજડીયા પક્ષી અભયારણ્ય સુંદર કુદરતી વાતાવરણ ધરાવતું અદભુત ક્ષેત્ર છે પરંતુ આ સ્થળની હાલની ભૌગોલિક રચના ખુદ આ અભયારણ્ય માટે ગંભીર ખતરો બની રહી હોવાનો ઘટસ્ફોટ એક વૈજ્ઞાનિક અભ્યાસમાં બહાર આવ્યો છે.ખિજડીયા પક્ષી અભયારણ્ય લાખો પક્ષીપ્રેમીઓ માટે એક જોવાલાયક અને માણવાલાયક જગ્યા છે, અહીં તમે હજારોની સંખ્યામાં દેશભરના અને વિદેશી યાયાવર પક્ષી નિહાળી શકો છો. અહીંની ભૌગોલિક રચના પણ અદભુત છે. અહીં દરિયાનું ખારૂં પાણી અને વરસાદી મીઠુ પાણી પણ ઉપલબ્ધ હોય, આ જગ્યાઓ પક્ષી માટે ખૂબ અનુકૂળ રહી છે.
પરંતુ હવે એવી વિગતો બહાર આવી કે, હાલની ભૌગોલિક રચના જ આ ક્ષેત્ર માટે જોખમ બની ગઈ. સરકારે આ મહત્વપૂર્ણ રામસર સાઈટના રક્ષણ માટે કોઈ નક્કર આયોજન કરવું પડશે.
ગુજરાત યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા એક વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો અને આ અભ્યાસ બાદ એક સંશોધન પેપર બહાર પાડવામાં આવ્યું. આ પેપર કહે છે: ખિજડીયા પક્ષી અભયારણ્યમાં જે પાણી રહેતું હોય છે તેની ગુણવત્તા જોખમોનો સામનો કરી રહી હોય, આ ક્વોલિટી નબળી બની ગઈ.
આ સંશોધન પેપર કહે છે: અહીં દરિયાઈ પાણીનું અતિક્રમણ થઈ રહ્યું છે, ઉપરાંત અહીં મીઠાં પાણીનો બાષ્પીભવન દર પણ નોંધપાત્ર છે. આથી પાણી વોટર ક્વોલિટી સ્ટ્રેસ અનુભવી રહ્યું છે. આ પાણીમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઉંચુ બની ગયું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, નળ સરોવરના પાણીની ક્વોલિટી પણ નબળી થઈ ગઈ છે. આ સ્થિતિઓ વચ્ચે એમ કહેવાય રહ્યું છે કે, જો આ પ્રકારની રામસર સાઈટ્સ માત્ર પ્રવાસન સ્થળો બની રહેશે તો આગામી સમયમાં આ જગ્યાઓનું ઈકોલોજિકલ મહત્વ ઘટી જઈ શકે છે.

























































