Mysamachar.in-જામનગર:
છેતરપિંડી ગુનાનો એક એવો પ્રકાર છે કે, જેમાં ભરોસાની ભેંસ પાડો જણતી હોય છે અથવા ભોગ બનનારની ગફલત કે લાલચ જેવા કારણોસર ગુનો બનતો હોય છે અને આવા ગુનાઓનો કોઈ તોટો નથી. આવી બાબતો હવે જાણે કે, રોજિંદી બની ગઈ છે ! છેતરપિંડીનો વધુ એક મામલો પોલીસના ચોપડા સુધી પહોંચી ગયો. જામનગરમાં ગુલાબનગર મેઈન ઢાળિયા નજીકના શુભમ એપાર્ટમેન્ટમાં રહેતી સેજલ સંજયભાઈ રાયચુરા નામની ‘બંટી’ એ રાજકોટના કિસાનપરા ચોકમાં રહેતાં આલા નકુભા જાડફવા નામના એક શખ્સ સાથે ‘ગોઠવણ’ કરી.
આલાએ બાપનો રોલ નિભાવ્યો અને સેજલે દીકરી હોવાની એક્ટિંગ કરી. આ બંનેએ નકલી બાપદીકરી બની, રાજકોટના કોઠારીયા રોડ પર રહેતાં સોની વેપારી સાહિલ પરેશભાઈ પાલાની સાથે છેતરપિંડી કરી લીધી. વેપારીએ પોલીસમાં એમ જાહેર કર્યું કે, આ બાપદીકરીએ તેની સાથે રૂ. 18 લાખની છેતરપિંડી કરી.
ફરિયાદીએ એમ જાહેર કર્યું છે કે, 14-10-2025 ના રોજ આલા જાડફવા નામના શખ્સે આ ફરિયાદી પાસે આવી એમ કહ્યું કે, મારી દીકરીનું રૂ. 18 લાખની કિંમતનું 27 તોલા સોનું જામનગરની એક ફાઈનાન્સ કંપનીમાં પડ્યું છે. આ સોનું છોડાવવું છે. આ લાલચથી ફરિયાદી લપેટાઈ જતાં મામલો આગળ વધ્યો.
બાદમાં આ ફરિયાદીએ જામનગર આવી નકલી બાપની નકલી દીકરી સેજલના બેંક એકાઉન્ટમાં, SBIમાં રૂ. 18,06,000 ની રકમ ટ્રાન્સફર કરાવી. વેપારીને એમ હતું કે, આ રકમ ટ્રાન્સફર કરાવવાથી 27 તોલા સોનું હાથમાં આવી જશે. પરંતુ આ બાપદીકરીએ વેપારીને છેતરી લીધો. નાણાં મેળવી લીધાં પણ સોનું ન આપ્યું. આથી વેપારીએ આ નકલી બાપદીકરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી.(symbolice image)





