Mysamachar.in-જામનગર:
વર્તમાન નાણાંકીય વર્ષનો આ અંતિમ મહિનો માર્ચ પૂર્ણ થતાં જ, આગામી એક એપ્રિલથી બેંકિંગ ક્ષેત્રમાં 6 નવા અને મહત્વપૂર્ણ ફેરફાર આવી રહ્યા છે. જેમાં ATM માંથી નાણાં મેળવવાની સુવિધાઓને મોંઘી બનાવવામાં આવી છે. આગામી એક એપ્રિલથી કેટલીક બેંકો પોતાની ATM વિડ્રોઅલ પોલિસીમાં ફેરફાર લાવી રહી છે. જેમાં ખાસ કરીને, દર મહિને મળતા ફ્રી ATM વિડ્રોઅલમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અન્ય બેંકોના ATM ટ્રાન્ઝેક્શનમાં દર મહિને માત્ર 3 ફ્રી વિડ્રોઅલ થઈ શકશે. જો આ લિમિટ તમે ક્રોસ કરશો તો, વધારાના પ્રત્યેક ટ્રાન્ઝેક્શનદીઠ બેંકો તમારી પાસેથી, રૂ. 20-25 નો ચાર્જ વસૂલી શકશે.
SBI, પંજાબ તથા કેનેરા બેંક સહિતની કેટલીક બેંક પોતાના મિનિમમ બેલેન્સ સંબંધિત પોલિસી અપડેટેડ કરી રહી છે. તમારાં બેંક એકાઉન્ટમાં રહેલી મિનિમમ બેલેન્સનું વર્ગીકરણ શહેર અને ગ્રામ્ય વિસ્તારો- એમ બધી જ જગ્યાઓ પર, અલગઅલગ રહેશે. નિર્ધારીત બેલેન્સ ન રાખનાર એકાઉન્ટધારકને દંડ પણ કરવામાં આવશે.
ટ્રાન્ઝેક્શન સિકયોરિટી મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તે માટે પોઝિટીવ પે સિસ્ટમ દાખલ થશે. ગ્રાહકોએ આ માટે પ્રોસેસ કરતી વખતે, રૂ. 5,000 કે તેથી વધુની રકમની ચૂકવણી કરતાં અગાઉ ચેક નંબર, તારીખ, ચૂકવણી કરનારનું નામ અને રકમની પુષ્ટિ કરવાની રહેશે. આર્થિક છેતરપિંડીઓ ઘટાડવા આ પગલું લેવાનું આયોજન થયું છે.
આ ઉપરાંત અન્ય ફેરફારોમાં- ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા એડવાન્સ ઓનલાઈન સુવિધાઓ અને AI પાવર્ડ ચેટબોટ પણ ડેવલપ થશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા, ટુ-ફેકટર ઓથેન્ટિફીકેશન અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન જેવા સુરક્ષા પગલાંઓ એક એપ્રિલથી શરૂ થશે. આ સાથે જ, બચત ખાતાં- FD પરના વ્યાજદરમાં વધારો થઈ શકે છે, જો બચતની રકમ વધુ હશે તો એવા ખાતામાં સામાન્ય કરતાં વધુ દરથી વ્યાજ આપી, બચતોને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેનાથી ખાતાંધારકને મળતું વળતર સ્પર્ધાત્મક બનાવી શકાશે.
આ ઉપરાંત SBI અને IDFC ફર્સ્ટ સહિતની મોટી બેંકો ક્રેડિટ કાર્ડ પરના અમુક પ્રોત્સાહન પાછા ખેંચે તેવી સ્થિતિઓ છે. ટિકિટ વાઉચર, રિન્યુઅલ માટેના ફાયદાઓ અને માઈલસ્ટોન રિવોર્ડ્સ જેવા લાભો પરત ખેંચવામાં આવશે. જે ક્રેડિટ કાર્ડ ધારકો માટે અસરકર્તા સાબિત થઈ શકે છે.