Mysamachar.in-વલસાડ:
ગુજરાતમાં વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી ચર્ચામાં છે ! વારંવાર પશુઓ આ ટ્રેન સાથે અથડાઈ રહ્યા હોય, લોકો મસ્તી એવી પણ કરે છે કે – પશુઓ ટ્રેનને વંદેમાતરમ્ કહેવા જાય છે અને ટકરાઈ જાય છે ! કેટલાંક લોકો વળી મજાકમાં એમ પણ કહે છે કે, વંદે ભારત ટ્રેનની જબ્બર ડિઝાઇન અને તેનો ખૂબસૂરત રંગ પશુઓને આકર્ષે છે ! તેથી વારંવાર અકસ્માત થતાં રહે છે. જો કે, કેટલાંક લોકો તીક્ષ્ણ પ્રશ્ન પૂછે છે: અન્ય ટ્રેનો સાથે આ રીતે ઉપરાઉપરી પશુઓ ટકરાતાં નથી, વંદે ભારત સાથે જ કેમ ટક્કર ?! આ પ્રશ્નનો જવાબ તપાસનો વિષય છે. વંદે ભારત ટ્રેનોનું સમયપત્રક પશુઓને માટે વિધ્નકર્તા છે ?!
વંદે ભારત ટ્રેન સાથે વધુ એક વખત પશુની ટક્કર થઈ છે. આ વખતે ટક્કર વલસાડ નજીક થઈ છે. વલસાડનાં અતુલ સ્ટેશન નજીક આ અકસ્માતમાં ટ્રેનની બોડીને ઉપરાંત એન્જિન નીચેના ભાગમાં પણ નુકસાન થયું છે ! પશુઓની તાકાત જબરી હોય છે ? ડિઝાઇન ખામીયુક્ત હશે ?! કે, ટ્રેનની ગતિ કારણભૂત હશે ? વગેરે ચર્ચાઓ સૌ પોતપોતાની રીતે કરતાં રહેતાં હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આવી પ્રથમ ટક્કર અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન નજીક સર્જાઈ હતી. ત્યારબાદ ગાંધીનગર – મુંબઈ વંદે ભારત ને કણઝારી રેલવે સ્ટેશન નજીક અકસ્માત નડ્યો હતો. દર વખતે ટ્રેનને નોંધપાત્ર પ્રમાણમાં નુકસાન થાય છે ! 30 સપ્ટેમ્બરે શરુ થયેલી વંદે ભારત ટ્રેન મહત્તમ ગતિ મર્યાદા પ્રતિ કલાક 180 કિમી ધરાવે છે પરંતુ હાલમાં આ ટ્રેનો પ્રતિ કલાક 130 કિમી ની ગતિએ દોડાવવામાં આવી રહી છે.