Mysamachar.in-જામનગર:
જામનગરમાં વાહન વ્યવહાર કચેરીમાં રજિસ્ટ્રેશન માટે આવેલાં વાહનોના, 2023ના અને 2024ના સપ્ટેમ્બર માસના આંકડા દર્શાવે છે કે, ગત્ વર્ષની સરખામણીએ આ વર્ષે વાહનોની નોંધણીમાં મોટો ઘટાડો જોવા મળે છે. સમગ્ર રાજ્યમાં આ ટ્રેન્ડ જોવા મળે છે. ખાસ કરીને ભારે વરસાદ અને શ્રાદ્ધના દિવસોને કારણે આમ બન્યું હોવાની દલીલો આપવામાં આવી રહી છે.
સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર-2023માં 37,083 કારનું વેચાણ નોંધાયું હતું. જ્યારે આ વર્ષે સપ્ટેમ્બરમાં કાર વેચાણનો આંકડો 26,313 રહ્યો છે. જે 29 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. એ જ રીતે, સપ્ટેમ્બર-2023માં રાજ્યમાં 1.29 લાખ ટુ વ્હીલરનું વેચાણ થયું હતું. જે આ વર્ષે, સપ્ટેમ્બર-2024માં માત્ર 83,912 નોંધાયું છે. જે વેચાણમાં 35.8 ટકા જેટલો ઘટાડો દેખાડે છે.
જામનગર RTO કચેરીમાં રજિસ્ટ્રેશન માટે આવેલાં વાહનોના આંકડા આ મુજબ છે. સપ્ટેમ્બર-2023માં અહીં 4,422 વાહનોનું રજિસ્ટ્રેશન થયેલું. જેની સામે આ વર્ષે સપ્ટેમ્બરમાં 2,653 વાહનોની નોંધણી થવા પામી છે. આ આંકડામાં કોમર્શિયલ સહિતના બધાં જ વાહનોનો સમાવેશ થાય છે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશનના ગુજરાત પ્રમુખ પ્રણવ શાહ કહે છે: આ વર્ષે સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. ઘણાં બધાં શહેરોમાં જલભરાવ રહ્યો. બીજી નોંધપાત્ર બાબત એ છે કે, આપણે ગુજરાતીઓ શ્રાધ્ધના મહિનાને ખરીદી તથા કોન્ટ્રાક્ટ સાઈન કરવો જેવી બાબતો માટે અશુભ માનીએ છીએ. આથી આ પ્રકારના કારણોથી વેચાણમાં ઘટાડો નોંધાયો.
આ ઉપરાંત શાહે જણાવ્યું કે, તહેવારો ઓગસ્ટ અને ઓક્ટોબરમાં હોવાથી પણ સપ્ટેમ્બરમાં વેચાણ ઘટ્યું. અને એમ પણ કહ્યું કે, સમગ્ર દેશમાં વાહનોના વેચાણમાં જે સરેરાશ ઘટાડો થયો તેના કરતાં ગુજરાતમાં વેચાણમાં મોટો ઘટાડો થયો. ડીલર્સ એમ પણ વિચારી રહ્યા છે કે, તહેવારોને કારણે ડિસ્કાઉન્ટ અને ઓફરો આપવામાં આવી રહી છે પરંતુ જો ઓક્ટોબરમાં વેચાણ નહીં વધે તો ડીલરોના નફા પર અસરો થશે.(file image)