Mysamachar.in-જામનગર:
ઓમિક્રોનની વોરીયન્ટની દહેશત વચ્ચે જામનગરમાં પ્રથમ કેસ સામે આવતા સરકાર સુધી સૌ એલર્ટ થઇ ચુક્યા હતા. પરંતુ આજે જામનગર અને ગુજરાત માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનનો નોંધાયેલો પ્રથમ દર્દી 17 દિવસની સારવાર બાદ સ્વસ્થ થતા અને રીપોર્ટ નેગેટીવ આવી જતા આજે તેને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત દર્દીના બે સંબંધીઓ પણ સ્વસ્થ થઈ જતા તેઓને પણ રજા આપવામા આવી છે.મહત્વનું છે કે ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવતા જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયો હતો. વૃદ્ધ બાદ તેના પત્ની અને સાળો પણ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો હતો. આ ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી હતી. જેના સતત બે રીપોર્ટ નેગેટિવ આવતા આજે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી.જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફરતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. અને આજથી જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટનો એકપણ એક્ટિવ કેસ હવે રહેતો નથી.