Mysamachar.in-જામનગર:
જામનગરના સેતાવાડ વિસ્તાર નજીક રહેતાં અને ચાંદીબજારમાં દુકાન ધરાવતાં એક સોની શખ્સે કુલ 12 ગ્રાહકોને શીશામાં ઉતારી, બૂચ મારી દીધું છે અને દુકાનને તાળું લટકાવી નાસી છૂટ્યો છે, ફરિયાદ દાખલ થતાં પોલીસ આ ભેજાબાજને શોધી રહી છે. ગ્રાહકો સાથે કુલ રૂ. 37.84 લાખની છેતરપિંડીઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના ખુલ્લા ફાટક નજીક રહેતાં અને મજૂરીકામ કરતાં સુનિતાબેન અશોકભાઈ ગેડિયા(જાતે બ્રાહ્મણ)એ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની આ ફરિયાદ દાખલ કરાવી છે. આરોપી સોનીનું નામ મનિષ ચંદુલાલ નાંઢા છે, જે સેતાવાડ વિસ્તાર નજીક જી.ડી.શાહ સ્કૂલ પાસે દીપ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહે છે અને ચાંદીબજાર વિસ્તારમાં આવેલાં બુગદામાં ન્યૂ ક્રિષ્ના જવેલર્સ નામની સોનીની દુકાન ધરાવે છે. આ શખ્સ ‘માલ’ ભેગો કરી ક્યાંક જતો રહ્યો છે, છેતરાયેલા ગ્રાહકો અને પોલીસ મનિષને શોધે છે.
ફરિયાદી મહિલા અને સાહેદો (છેતરાયેલાં અન્ય ગ્રાહકો)કહે છે: આ શખ્સ ગ્રાહકોને કટકે કટકે નાણાં જમા કરાવવાની સુવિધાઓ આપતો હતો, જૂના સોનામાંથી નવું સોનું બનાવી આપતો અને સોનાના દાગીનાઓ પર હોલમાર્ક પણ લગાવી આપતો. આ શખ્સે ઘણાં ગ્રાહકોને વિશ્વાસમાં લઇ નાણાં તથા કેટલુંક સોનું આ રીતે ગ્રાહકો પાસેથી મેળવી લીધું હતું. ત્યારબાદ એક દિવસ અચાનક દુકાનને તાળું લટકાવી આ શખ્સ ભાગી ગયો છે. આ શખ્સે ગ્રાહકોને મોબાઇલ નંબર પણ અલગ-અલગ આપ્યા હશે, પોલીસે આ શખ્સના 5 મોબાઇલ નંબર જાહેર કર્યા છે.
આ શખ્સ વિરુદ્ધ છેતરપિંડીઓની ફરિયાદ નોંધાવનારા ગ્રાહકોમાં સુનિતાબેન(1,37,900), કંકુબેન(રૂ.6,20,000), લાખુબેન(1,20,000), ઉર્મિલાબેન(1,60,000), નયનાબા શક્તિસિંહ દાનુભા ગોહિલ(16,40,000), જયેશભાઈ(30,000), વિનોદભાઈ (3,70,000), હીરેનભાઈ (1,50,000), જિતેશભાઈ(39,750), હંસાબેન ગાંડુભાઈ મકવાણા(2,50,000), બિનાબેન હરગોવિંદભાઈ સોલંકી(50,000), વિજયસિંહ ચંદુભા જાડેજા(1,47,000)નો સમાવેશ થાય છે. કુલ રૂ. 37,84,650 ની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે.