Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લાખો બાંધકામ સાઈટ્સ આવેલી છે, આ પ્રકારની જગ્યાઓ પર માલિકો અને કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષા અને સલામતીના સરકારના કાયદાઓ, નિયમો અને જોગવાઈઓનો ઉઘાડેછોગ ભંગ થતો રહેતો હોય છે, બેદરકારીઓ દાખવવામાં આવતી હોય છે અને ઘણી વખત વિવિધ કારણોસર ઘાતક અકસ્માતો પણ સર્જાતા રહેતાં હોય છે, જેમાં પરિવારોના મોભી એવા કામદારો એટલે કે બાંધકામ શ્રમિકોના મોત થતાં હોય છે, આમ છતાં સરકારનો ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ આવી બાબતો પ્રત્યે ગંભીરતા દાખવતો હોતો નથી. જેનો ગેરલાભ બિલ્ડર્સ અને ડેવલપર તથા કોન્ટ્રાક્ટર્સ ભરપૂર રીતે ઉઠાવતા હોય છે.
જામનગરમાં પણ આ ક્ષેત્રમાં રેઢિયાળ સ્થિતિઓ હોવાનું સૂત્ર જણાવે છે. જિલ્લા સત્તાવાળાઓએ ખરેખર તો આ વિભાગના અધિકારીઓ પર કડક વોચ રાખવી જરૂરી હોવાની લાગણી જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. સરકારનો આ વિભાગ મૂંગા મોંએ આવી તમામ બાબતોમાં અલગ જ પ્રકારના ગણિત અને વિજ્ઞાનથી ચાલી રહ્યો હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવી રહ્યા છે.
અડધા ગુજરાતના કેટલાંક આંકડા જાહેર થયા છે. રાજ્યના 33 પૈકીના 16 જિલ્લાઓના આંકડા ગંભીર છે. આ 16 જિલ્લાઓમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. આંકડા મુજબ, છેલ્લા 2 જ વર્ષ દરમિયાન આ 16 જિલ્લાઓમાં આગ અને અકસ્માતની કુલ 193 ઘટનાઓમાં 88 કામદારોના કમોતે મોત થયા. બાંધકામ સાઈટ્સ પર શ્રમિકોના મોત નોંધપાત્ર પ્રમાણમાં થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે બાંધકામ સાઈટ્સ પર બેદરકારીઓ વધુ પ્રમાણમાં હોય છે. છતાં કોઈ દંડાતુ નથી. કેમ ? આ ક્ષેત્ર પર દેખરેખ રાખતો સરકારી વિભાગ ‘મલાઈ’ આરોગી રહ્યો છે ? એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે જ સપાટી પર આવી ગયો છે.
આગની સૌથી વધુ ઘટનાઓ અમદાવાદ વલસાડમાં રેકર્ડ પર આવી. જેમાં એક ડઝન કામદારો મોતને ભેટયા. અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલાં 2 વર્ષ દરમિયાન જામનગરમાં પણ આગની એવી ઘટનાઓ બની છે જેમાં કામદારોના મોત થયા હોય. આમ છતાં સરકારે જાહેર કરેલા આ આંકડામાં જામનગરની આગનો ઉલ્લેખ નથી, મોત થયા હોવા છતાં મોતનો પણ ઉલ્લેખ નથી ! જામનગરનું સ્થાનિક તંત્ર સરકારને પણ અધૂરી વિગતો આપે છે ? દુર્ઘટનાઓના રેકર્ડમાં ઘાલમેલ કરે છે ?!
જાહેર થયેલાં આંકડા મુજબ, બે વર્ષ દરમિયાન જામનગર સહિતના આ 16 જિલ્લાઓમાં બાંધકામ સાઈટ્સ પર 78 અકસ્માત એવા થયા જેમાં 76 કામદારોનો ભોગ લેવાઈ ગયો. જામનગરમાં 5 બાંધકામ સાઈટ્સ પરના અકસ્માતમાં 6 કામદારોનો ભોગ લેવાઈ ગયો. છતાં સ્થાનિક તંત્ર આરોપીઓ સાથે સંતાકૂકડી રમી રહ્યું હોય એવી સ્થિતિઓ જોવા મળે છે ! જિલ્લા સમાહર્તાએ આ વિભાગનું ‘ઓપરેશન’ કરવાની જરૂર હોવાનું દેખાઈ રહ્યું છે.(file image)