Mysamachar.in-રાજકોટ:
આજથી રાજકોટમાં એસ્ટ્રોન ચોક અન્ડર બ્રિજ પાસે પશ્ચિમ રેલવે ઝોન અને ગુજરાતનું પ્રથમ ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ ખુલ્યું છે. રાજકોટ ડીવીઝન રેલવે મેનેજર અશ્વનીકુમારે જણાવ્યું હતું કે રાજકોટ ડીવીઝનની આ અનોખી પહેલનો હેતુ રેલવેની આવકમાં વધારો કરવાનો અને જૂના કોચને ફરીથી ઉપયોગમાં લાવવાનો છે.
રાજકોટ ડીવીઝન દ્વારા નોન-ફેર રેવન્યુ પોલીસી હેઠળ આ પહેલ શરૂ કરવામાં આવી છે. રાજકોટ રેલવે ડિવિઝનને રેલ કોચ રેસ્ટોરન્ટમાંથી રૂ. 1.08 કરોડની આવક થવાની છે. ટેન્ડર પ્રક્રિયાને અપનાવીને, રેલવેએ ન્યાશા એન્ટરપ્રાઇઝને 5 વર્ષ માટે જૂનો બીજો સ્લીપર કોચ અને 226 ચોરસ મીટર જગ્યા આપી છે. ‘The Trackside Tadka’ નામ થી શરૂ થયેલ આ રેલ કોચ રેસ્ટોરન્ટમાં લોકો સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણી શકશે.
આ આલીશાન કોચ રેસ્ટોરન્ટમાં બેસીને લોકોને ચાલતી ટ્રેનમાં બેઠા વગર મુસાફરી કરવાનો અહેસાસ મળશે અને તેઓ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવશે. રેસ્ટોરન્ટમાં લગભગ 200 લોકો માટે બેઠક વ્યવસ્થા હશે. આ રેલ કોચ રેસ્ટોરન્ટમાં 24 કલાક સેવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. રાજકોટના લોકો રેલ કોચ રેસ્ટોરન્ટમાં મિત્રો અને પરિવાર સાથે બેસીને સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ લઈ શકે છે અને સેલ્ફીની મજા માણી શકે છે.