Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ-જીવાપર રોડ પર રાધેશ્યામ ગૌશાળા પાસે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. કપાસ ભરેલા ટ્રક પર બેઠેલા પાંચ મજૂરોને હાઈવોલ્ટેજ વીજ લાઈનનો કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો ઈજાગ્રસ્ત થયેલા અન્ય ચાર મજૂરોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. દુર્ઘટના સમયે ટ્રક કાલાવડ તરફ જઈ રહ્યો હતો. વીજ કરંટના કારણે ટ્રકમાં ભરેલા કપાસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી.
સ્થાનિકોએ તરત જ કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી કપાસમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર મામલે ઈજા પામનાર મજૂરે ટ્રક ચાલક સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તે પ્રમાણે..

ફરીયાદી ઈસ્માઈલભાઇ જુમાભાઇ સોરા જે પોતે મજુરી કામ અને સરકારી હોસ્પીટલ પાછળ, કુંભનાથપરા, કાલાવડમાં રહે છે તેને ટ્રક નંબર GJ-10-TY-7701 નો ચાલક દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ જે પણ કાલાવડમાં જ રહે છે તેની વિરુદ્ધ કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ટ્રકચાલક દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ પોતે જાણતા હોય કે ટ્રકની કેબીનના ઉપરના ભાગે કોઈ પેસેન્જરને બેસાડી પોતાનો ટ્રક પુરઝડપે,બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે ચલાવશે અને અકસ્માત થશે અથવા તો ઉપર બેસેલ વ્યક્તિ કોઈ વૃક્ષ સાથે અથડાશે અથવા તો કોઈ વીજ વાયરને અડી જશે તો તેનુ મૃત્યુ થશે તેવુ જાણવા છતા ટ્રકની કેબીનના ઉપરના ફરીયાદી ઈસ્માઈલભાઇ જુમાભાઇ સોરા તથા વિકેશ ઉર્ફે વિકાસ સાગરભાઈ અજનાર અને હુશેનભાઈ સુમરાને બેસાડી ટ્રક ગફલત ભરી રીતે ચલાવી આવી જીવાપર રોડ ઉપર ગૌશાળા પાસે પહોંચતા રોડ ક્રોસ કરતી વીજલાઈન ટ્રકમાં ઉપર બેઠેલા વિકેશને અડી જતા શોર્ટ લાગતા મોત નીપજાવી તથા ફરીયાદીને વીજ કરંટ લાગતા વાસાના ભાગે તથા પગના ભાગે દાજી જતા તેમજ કાન તથા મોઢાના ભાગે સામાન્ય ઈજા ઉપરાંત હુશેનભાઈને સામાન્ય ઈજા કર્યા સબબની ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.