mysamachar.in-રાજકોટ
ગુજરાતમાં દિવસે ને દિવસે સરકાર અને વિપક્ષ વચ્ચે મગફળી કૌભાંડ ને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપો નો દૌર શરૂ થતા રાજકારણ ભારે ગરમાઈ રહ્યું છે,અને મુખ્યમંત્રી,ઉપમુખ્યમંત્રી અને કૃષિમંત્રી એ મગફળી કૌભાંડ ને લઈને અવારનવાર મીડિયા સમક્ષ આવવાની ફરજ પડી રહી છે,
એવામાં જામનગરના હાપા ખાતે ગઈકાલે મગફળી કૌભાંડ ને લઈને ધરણા કરવા માટે આવેલ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મગફળીમાં થયેલ ગેરરીતિ મામલે ધરણા કર્યા હતા તેમાં પરેશ ધાનાણીએ પત્રકારોને નિવેદન આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં મગફળીની ખરીદી દરમ્યાન મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે અને આમા કોઈને કોઈ રીતે હાલના કૃષિમંત્રી અને પુર્વ કૃષિમંત્રીનો રોલ છે તેવા ગંભીર આક્ષેપ કરતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો અને આ મામલે કૃષિમંત્રી આર.સી. ફળદુને ખુલાસા કરવા માટે સામે આવું પડ્યું છે,
રાજકોટ ખાતે આજે કૃષિમંત્રી આર.સી. ફળદુ પોતાના બચાવમાં સામે આવીને પ્રેસ કોન્સફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, જામનગર ખાતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કાલાવડના હરીપર ગામની મંડળીને લઈને જે આરોપ કર્યા છે તે પાયાવિહોણા છે, હરીપરમા મારા કૌટુંબિક બેન રહેતા હોય એટલે તેમના પુત્રોને હું સ્વભાવિક મામા જ થાઉં અને તેમની મંડળી હોય મગફળી ખરીદીમાં કોઈ ગેરરીતિ આચરાઈ નથી અને હરીપર મંડળીમાં ગેરરીતિ થઈ હશે તો જાહેર જીવન છોડી દઈશ તેવો લલકાર પણ કૃષિમંત્રી એ ફેંક્યો હતો,પરેશ ધાનાણીએ મારી વ્યક્તિગત ઈજ્જત ઉપર હાથ નાખ્યો છે,આથી મને માનહાનીની પ્રતિત્તિ થાય છે,તેમજ ચીમનભાઈની જામજોધપુર મંડળીમાં પણ કોઈ ગેરરીતિ થઈ નથી સૌથી વધુ 71 કરોડની મગફળી ખરીદી કરાઈ છે કોઈપણ પ્રકારની ગેરરીતિ થયેલ નથી તેવું આર.સી. ફળદુએ ચીમનભાઈ સાથે વાતચીત કર્યા બાદ પત્રકારોને જણાવ્યું હતું,
આમ કૃષિમંત્રી આર.સી. ફળદુ આજે પરેશ ધાનાણીના નિવેદન સામે લાલચોળ થઈને વધુમાં જણાવ્યું હતું કે પરેશ ધાનાણી કરેલ આક્ષેપો સાબિત કરે અથવા જાહેર જીવન છોડી દે, અને મગફળી કૌભાંડમાં અમારે કોઈને છાવરવા નથી અને ગોંડલની ઓડિયો ક્લિપની તપાસ થશે અને મગફળી કૌભાંડમાં કાર્યવાહીના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાશે તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી,
છેલ્લે આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, મારી ઉપર પરેશ ધાનાણીએ વ્યક્તિગત આક્ષેપો કર્યા હોય મારી માનહાની થઈ છે આથી પરેશ ધાનાણી સામે હું માનહાનિનો દાવો ઠોકવા માટે કાર્યવાહી કરીશ તેવી ચીમકી આપી હતી , આમ પરેશ ધાનાણીના આગ ઝરતા નિવેદન સામે સરકારના મંત્રીઓ ઉપર આક્ષેપો થવા લાગતા ગુજરાતમાં મગફળી કૌભાંડ કોને દઝાડશે તે ચર્ચાનો વિષય બન્યો છે.