Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓ ફી સહિતની બાબતોમાં કેવી કેવી મનમાનીઓ ચલાવે છે- તે મુદ્દો વાલીઓ, શિક્ષણ વિભાગ અને સરકાર, એમ બધાં જ જાણે છે. પરંતુ શાળાઓના સંચાલકો મનમાની ચલાવવામાં પાછી પાની કરતાં નથી. શાળાઓ માટે FRC સિસ્ટમ લાગુ થયાના 9 વર્ષ પછી હવે શિક્ષણ વિભાગને જ્ઞાન થયું છે કે, ફી સંબંધે થતી કાર્યવાહીઓ લોકોની જાણમાં મૂકવી જોઈએ.
રાજ્યના શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2026-27 થી દરેક ખાનગી શાળાઓએ ફી અંગેના FRCના હુકમની નકલ તથા રિવિઝન કમિટીનો હુકમ પબ્લિક ડોમેનમાં મૂકવાનો રહેશે એટલે કે તેની જાહેરાત કરવાની રહેશે.
શિક્ષણ વિભાગે કરેલી જાહેરાત અનુસાર, રાજ્યની તમામ FRC ઓથોરિટીએ આ બધી વિગતો frcgujarat.org નામની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે. આ વિગતો જાહેર થતાં જ શાળાઓ ફી વધારા માટે જે ખર્ચ દેખાડે છે તેની હકીકતો બહાર આવી જશે. ખોટાં ખર્ચ અંગે લોકો જાણી શકશે. શાળાઓએ માંગેલો ફી વધારો વાજબી છે કે કેમ, તે બધું જ જાણી શકાશે.
શિક્ષણ વિભાગે પારદર્શકતા માટે આ નિર્ણય કર્યો છે પરંતુ જો વાલીઓ, વાલીમંડળો અને શિક્ષણ સત્તાવાળાઓ આ નવા ઠરાવના અમલ સંબંધે ‘જાગૃતિ’ નહીં દેખાડે તો કશું જ થવાનું નથી. ખાનગી શાળાઓની મનમાની અગાઉની માફક આગામી સમયમાં પણ ચાલુ રહેશે. નિયમો માત્ર ફાઈલમાં જ કેદ રહે તો, તેનો કોઈ મતલબ રહેતો નથી.

























































