Mysamachar.in-વડોદરા:
આજના સ્માર્ટ ફોન અને હાઈટેક યુગમાં દરેક હાથમાં સ્માર્ટફોન છે તેના જેટલા સદુપયોગ છે તેનાથી વધુ તેનો દુરુપયોગ કરનારાઓ પણ પડ્યા છે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહીત અનેક રાજ્યના લોકો જેમાં ખાસ તો યુવકો અને આધેડવયના લોકોને ટાર્ગેટ કરી તેને ન્યૂડ વિડીયો કોલ કર્યા બાદ આરોપીઓ પૈકીનો જ કોઈ એક નકલી અધિકારી બને અને ભોગ બનનાર પાસેથી મોટી રકમમાં પૈસા માંગતા હોવાના ખેલમાં વડોદરા સાઈબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે.વડોદરાના એક બિઝનેસમેન સાથે આરોપીઓએ ન્યૂડ કોલ કરી CBI ઓફિસરના નામે રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે રાજસ્થાનના એક ગામમાં પહોંચી દિલધડક ઓપરેશન કરી ઠગબાજોને ઝડપી પાડ્યા છે.
વડોદરાના બિઝનેસમેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 28/11/23ના રોજ રાત્રે ફેસબુક એકાઉન્ટમાં અદિતી અગ્રવાલ નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મે એકસેપ્ટ કર્યા બાદ બન્ને વચ્ચે સામાન્ય વાતચીત ફેસબુક મેસેંજરથી થઇ હતી. જેમાં રિકવેસ્ટ મોકલનારે મારી પાસેથી વ્હોટ્સએપ મોબાઇલ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ મારા વોટ્સએપમાં વીડિયો કોલ કરી કોલ ઉપાડતા કોલમાં અજાણી છોકરી નગ્ન અવસ્થામાં હતી અને તેણે મારી જાણ બહાર પોતાના મોબાઇલમાં અંગત વીડિયો કોલનું સ્કિન રેકોર્ડિંગ કરીને વીડિયો બનાવીને મારા વોટ્સએપ નંબર પર મોકલ્યું હતું. અને આ મારો અંગત વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેથી મેં ગભરાઈને 3,33,997 રૂપિયા આપી દીધા હતા.
બાદમાં વધુ પૈસા માટે મને મોબાઈલ ફોન પર સી.બી.આઈ. ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપીને મારા વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપીને વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતા આખરે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.આ ફરિયાદના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્ટ સોર્સીસની મદદથી એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ રાજસ્થાનમાં છે. બાદમાં ત્યાં તપાસ માટે ટીમ મોકલતા સાજીદખાન જાહુલખા (ઉવ.21, ધંધો-અભ્યાસ, રહેવાસી, કોટ ગામ, મેવ મોહલ્લા (અખાડા), તેસીલ, મંડાવર, જી.દૈસા (રાજસ્થાન), માજીદખાન જાહુલખા (ઉવ.18, ધંધો. અભ્યાસ, રહેવાસી, કોટ ગામ, મેવ મોહલ્લા (અખાડા), તેસીલ, મંડાવર, જી.દૈસા (રાજસ્થાન)ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે,
ઝડપાયેલ આરોપીઓએ 6 મહિના પહેલાં આ કામ શરૂ કર્યું હતું. આરોપીઓએ ડમી સીમકાર્ડ ખરીદ્યા હતા. જેનો ઉપયોગ કરી કોઈપણ રેન્ડમ મોબાઈલ નંબર “ટુ કોલર” એપ્લીકેશન ઉપર સર્ચ કરી જોઇ લેતો હતો કે તે સીમકાર્ડ કઈ કંપનીનુ છે અને ત્યારબાદ તે મોબાઇલ નંબર ઉપર કોલ કરી જણાવતો હતો કે જે તે કંપનીમાંથી બોલે છે અને તમારૂ સીમકાર્ડ બંધ થવાનું છે. જેથી તમારા સીમકાર્ડનુ વેરીફિકેશન કરવુ પડશે. જેના માટે તમારા મોબાઇલ નંબર ઉપર એક ઓ.ટી.પી આવશે તે આપવો પડશે. આથી જે વ્યક્તિ આરોપીઓની વાતમાં આવી આરોપીઓને ઓ.ટી.પી. નંબર આપવા માટે તૈયાર થતાં તેમના મોબાઇલ નંબરનું વોટસએપ આરોપીઓ પોતાના મોબાઈલ ફોનમાં લોગીન કરી ચાલુ કરી દેતા હતા.
ડમી વોટ્સએપનું લૉગિન મેળવ્યા બાદ આરોપી મોબાઇલ ફોનમાં ફેસબુક એપ્લીકેશન ચાલુ કરી દેતા હતા અને તેમા કોઈ પણ સારી દેખાવડી છોકરીના ફોટા ગુગલ ઉપરથી ડાઉનલોડ કરી છોકરીના નામનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી દેતા હતા. ફેસબુક ઉપર અલગ અલગ રાજ્ય પ્રમાણે નામ સર્ચ કરતા હતા, જેમાં પ્રોફાઇલનું એનાલિસિસ કરીને છોકરા તથા આધેડ ઉંમરવાળા માણસોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી આપતા હતા અને પીડિત દ્વારા ફ્રેન્ડ રીકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ આરોપીઓ છોકરી તરીકે ચેટીંગ ચાલુ કરી દેતા હતા.જ્યારે પીડિતને આરોપીઓ ઉપર વિશ્વાસ આવી જાય ત્યારબાદ પીડિત પાસે વોટસએપ નંબર લઇ ત્યારબાદ વ્હોટ્સએપ પર ચેટીંગ કરી ડાયરેક્ટ વોટસએપ કોલીંગ કરતા. તે વખતે પીડિતને આરોપીઓ ન્યૂડ છોકરીનો વીડિયો બતાવતા હતા.
જ્યારે વોટ્સએપમાં પીડિતને કપડાં ઉતારવાનું કહેતા અને જેવા પીડિત કપડાં ઉતારે એટલે આરોપીઓ પોતાના મોબાઈલ ફોનમાં વીડિયો કોલનું સ્ક્રીન રેકોડીંગ કરી લેતા. રેકર્ડ કરેલો વીડિયો પીડિતને વ્હોટ્સએપ ઉપર મોકલી આપતા અને જણાવતા કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશું. જેથી પીડિતને ડરાવવા પીડિતના ફેસબૂક ફ્રેન્ડ લિસ્ટ પૈકીના વ્યક્તિઓને વીડિયો મોકલેલા હોવાનું સ્કીનશોટ પણ મોકલતા હતા.જો પીડિત અજાણતા વીડિયો કોલ ઉપાડી લે અને ન્યૂડ ન હોઇ તો પણ તેના ચેહરાવાળો વોટ્સએપ વીડિયો કોલ રેકોડીંગ કરીને જાણે પીડિત પોતે જ ન્યૂડ થયો હોય તેવું અન્ય પોર્ન વીડિયો મર્જ કરી એડિટિંગ કરીને બ્લેકમેલ કરતા હતા
વધુ રૂપિયા પડાવવા માટે પીડિતને આરોપીઓ યુટ્યુબમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા અને તેમ છતા પણ જો રૂપિયા ન આપે તો આરોપીઓ યુટ્યુબ ચેનલના નોડલ અને CBI ઓફિસર તરીકે વાત કરતા અને જણાવતા હતા કે તમારો વીડિયોની ફરિયાદ આવેલ છે, તમે સામાવાળી વ્યક્તિ સાથે થાય તો સમાધાન કરી જે રકમ માગે તે ચૂકવી દો નહીતર પોલીસ તમારા ઘરે આવી તમારી વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે તેવી ધમકી આપતા હતા અને રૂપિયા મળ્યા બાદ વીડિયો ફોનમાંથી ડીલીટ કરી નાખતા હતા. જ્યાં સુધી પીડિત વાત કરવાનું બંધ ન કરે ત્યાં સુધી ડરાવતા અને પૈસા પડાવતા હતા.
ગુજરાતમાં પણ અનેક લોકો આવા ન્યૂડ વિડીયો કોલનો શિકાર બની રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ગૃહમંત્રીએ જાહેરમંચ પરથી કહ્યું હતું કે લોકોએ આવા ન્યૂડ કોલ કરનાર ઈસમોથી ડર્યા વિના પોલીસને જાણ કરવી જોઈએ.કેટલાય લોકો એવા હોય છે જે બદનામીને બીકે આવા ઇસમોને રૂપિયા આપ્યા રાખે છે અને બાદમાં પસ્તાવાનો વારો આવે છે.