Mysamachar.in-અમદાવાદ:
PMJAY યોજના અંતર્ગત સરકાર ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોને કરોડો રૂપિયા આપે છે. આ નાણાંના બદલામાં લાખો લોકો વિવિધ દર્દોની મફત સારવારનો લાભ મેળવી રહ્યા છે. એક અભ્યાસ જણાવે છે કે, આ યોજનાનો લાભ લેનારાઓમાં ડાયાલિસીસ અને ઘૂંટણ બદલાવવાના ઓપરેશનનું પ્રમાણ બહુ મોટું હોય છે.
PMJAY અંતર્ગત ડાયાલિસીસ, ઘૂંટણ બદલાવવાના ઓપરેશન, કોરોનરી એન્જિયોપ્લાસ્ટિ, કેન્સર સારવાર, કીમોથેરાપી વગેરે સારવાર પુષ્કળ પ્રમાણમાં ચાલી રહી છે. આ તમામ એડમિશનની નોંધ માટે રાજ્ય સરકાર ડેશબોર્ડનું સંચાલન કરે છે. જો કે આ ડેશબોર્ડ દૈનિક ધોરણે અપડેટેડ કરવામાં આવતું નથી.
સંસદમાં તાજેતરમાં PMJAY માટેના આંકડા જાહેર થયા. જે મુજબ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાનો દર્દીદીઠ સૌથી વધુ ખર્ચ મહારાષ્ટ્રમાં અને બીજા ક્રમે ગુજરાતમાં ખર્ચ થઈ રહ્યો છે. દર્દીઓ પાછળ થયેલાં કુલ ખર્ચની બાબતમાં પણ ગુજરાત બીજા ક્રમે છે. આંધ્રપ્રદેશ પ્રથમ ક્રમે છે. ગુજરાતની હોસ્પિટલોને રૂ. 14,922 કરોડ આપવામાં આવ્યા છે. આ આંકડો પાછલાં પાંચ વર્ષનો છે.