mysamachar.in-ગાંધીનગર:
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના દિનપ્રતિદિન આસમાને પહોચી રહેલા ભાવોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી અને કેન્દ્ર સરકાર ઉપર આમ પ્રજાનો રોષ દિવસે ને દિવસે વધવા લાગ્યો હતો તેવામાં ૨૦૧૯ની ચુટણીને જોતાં પ્રજાનો રોષ ડામવા માટે આજે કેન્દ્રિય નાણાંમંત્રી અરુણ જેટલીએ પેટ્રોલ-ડિઝલના વધતાં ભાવો નિયંત્રણમાં લેવા માટે મહત્વની જાહેરાત કરી છે,
કેન્દ્રિય નાણાંમંત્રી અરુણ જેટલીએ પેટ્રોલ ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડાની જાહેરાત કરતાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ૨.૫૦ રૂપિયાનો ઘટાડો આવશે અને ઓઈલ કંપની પણ પેટ્રોલ-ડીઝલના ઈંધણ પર ૧ રૂપિયા ઘટાડશે એવી જાહેરાત કરવામાં આવી છે,
કેન્દ્રિય નાણાંમંત્રી અરુણ જેટલીની દરેક રાજ્યોને વેટ ઘટાડવાની અપીલના પગલે ગુજરાત સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર ૨.૫૦ રૂપીયા ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે જેનાથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં ૫ રૂપીયાનો ભાવ ઘટાડો થશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરીને ગુજરાતમાં ૨.૫૦ રૂપીયાનો ભાવ ઘટાડો કરવાનું જણાવ્યુ હતું,
આમ સતત વધતી જતી મોંઘવારી વચ્ચે ટૂંક સમયમાં આવી રહેલ લોકસભાની ચૂંટણીની ધ્યાનમાં રાખીને લોકોના દિલ જીતવા માટે આવું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.