Mysamachar.in-ડાંગ:
આજે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે અને “વૃક્ષ એ જીવન છે” તેવું સરકાર તથા NGO અભિયાન ચલાવવા છતાં આપણે વૃક્ષારોપણ કરવામાં ઉદાસીન હોવાના કારણે હાલ પર્યાવરણ પર ગંભીર અસરો પડી રહી છે.જેનો સામનો આપણે કરી રહ્યા છીએ,ત્યારે જીવનમાં વૃક્ષનું કેટલું મહત્વ છે તે આજે પુરવાર થયું હોય તેમ એક વૃક્ષે સાબિત કરી આપ્યું છે કે ખરેખર વૃક્ષ એ જ જીવન છે,જેમાં સુરતના ૭૦ સભ્યોના પરિવારને વૃક્ષને કારણે નવજીવન મળ્યું હોવાની ઘટના સામે આવી છે,
સુરતના બુધાભાઈ રાઠોડના પૌત્ર વિરાજની માનતા ઉતારવા માટે રાઠોડ પરિવાર વગેરે ૭૦ સભ્યો ખાનગી બસમાં શીરડી સાઈબાબાના દર્શને જઈ રહ્યા હતા,ત્યારે સાપુતારા ઘાટ પર ગોળાઇમાં ઢાળ ચડતા બસ અટકીને રિવર્સ ઘસી ગઈ હતી,દરમ્યાન એક વૃક્ષના કારણે બસ ઉંધી થઈને અટકી પડી હતી,ત્યારે તરત જ બસમાંથી પુરુષો,બાળકો,મહિલાઓ હતપ્રત થઈને નીચે ઉતરીને વૃક્ષ તેમજ કુદરતનો આભાર માન્યો હતો અને આ સ્થળે જો વૃક્ષના હોત તો બસ સીધી જ 200 ફૂટ ઊંડી ખાણમાં ગરકાવ થઈ હોત અને મોટી જાનહાની થવાની શક્યતા રહેલી હતી ત્યારે એક વૃક્ષ મૃત્યુ તરફ આગળ વધી રહેલ ૭૦ મુસાફરો માટે જીવનરુપી આધાર બન્યું હતું,
આમ વૃક્ષના કારણે સુરતના પરિવારને નવજીવન મળતા ઘટના સ્થળે જ વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો હતો,ત્યારે એક વૃક્ષે ૭૦ લોકોના જીવને બચાવી લીધાનો આ કિસ્સો ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બન્યા છે.