Mysamachar.in-જામનગર:
જામનગર એરફોર્સ પ્રતિબંધિત વિસ્તાર છે, અહીં પ્રવેશ મેળવતાં અગાઉ પૂછપરછ અને ઉલટતપાસના કોઠા પાર કરવા પડે છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં જ્યારે પણ ચોરીનો બનાવ જાહેર થાય છે ત્યારે લોકોમાં ચર્ચાઓ જાગે છે. લોકોને પ્રશ્ન એ થાય છે કે, તસ્કરો બહારથી અંદર ઘૂસી કેવી રીતે ગયા ? કે, અંદરના જાણભેદુ કળા કરતાં હોય છે ?
આ પ્રકારની વધુ એક પોલીસ ફરિયાદ જાહેર થઈ છે. જામનગર એરફોર્સમાં ફરજ બજાવતાં અને ત્યાં જ સ્ટાફ કવાર્ટરમાં વસવાટ કરતાં અધિકારી અભયપ્રતાપસિંહ રવિન્દ્રનાથસિંહના બંધ રહેણાંક મકાનમાંથી કોઈ તસ્કરો રૂ. 1.30 લાખની કિંમતના સોનાચાંદીના ઘરેણાં ચોરી ગયા છે એવી વિગતો પોલીસમાં લખાવવામાં આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા આ અધિકારી ઘરને તાળું લગાવી રજા પર વતનમાં ગયા હતાં અને કાલે વતનમાંથી પરત આવ્યા. ત્યારે તેમને પોતાના ઘરનું તાળું તૂટેલું જોવા મળેલ. તેથી તેઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. PSI એચ.વી.પીપળીયા તપાસ ચલાવી રહ્યા છે. આ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ સામાન્ય વ્યક્તિ પ્રવેશ કરી શકતો નથી.