Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં બાંધકામ ક્ષેત્રમાં અને ઉદ્યોગ ક્ષેત્રમાં કામદારોની સલામતીના મુદ્દાને અવગણવામાં આવે છે. આ પ્રકારની જગ્યાઓ પર કોઈ અકસ્માતમાં એકાદ કે વધુ શ્રમિકના મોત નીપજે છે તેવા સંજોગોમાં પણ, કયાંય કોઈ ગંભીરતા જોવા મળતી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં અને ધોરીમાર્ગો પર પણ અનેક બાંધકામ સાઈટ્સ પર કામો ધમધમતા રહે છે. આ પ્રકારની જગ્યાઓ પર અકસ્માત પણ થતાં હોય છે અને બાંધકામ શ્રમિકના મોત પણ થતાં હોય છે, આમ છતાં તંત્ર દ્વારા કયારેય બાંધકામ માલિક એટલે કે બિલ્ડર અથવા લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ થતી નથી, કામદારોની જિંદગીઓને તંત્ર ફાલતૂ ગણે છે ?! શા માટે નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી ?
બાંધકામ સાઈટ્સ પર સરકારના નિયમો અનુસાર કામદારોની સલામતી સુનિશ્ચિત કરવાની હોય છે. આ જવાબદારીઓ બિલ્ડર અને લેબર કોન્ટ્રાકટરની હોય છે અને સલામતીના નિયમોનું પાલન કરાવવાની જવાબદારીઓ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની હોય છે. જામનગરમાં આ વિભાગની કચેરી સાત રસ્તા નજીકના ‘જાડા’ભવન ખાતે કાર્યરત છે પરંતુ આ કચેરી દ્વારા કોઈ તકેદારીઓ લેવામાં આવતી હોય કે કસૂરવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થતી હોય તેમ દેખાતું નથી.
આ કચેરી પોતાની ફરજો બરાબર નિભાવે છે કે કેમ, તેનું કોઈ મોનિટરીંગ પણ થતું નથી. બાંધકામ અકસ્માતોમાં ગરીબ કામદારોનો ભોગ લેવાતો રહે છે પરંતુ બિલ્ડર અને લેબર કોન્ટ્રાકટર પ્રત્યે ‘કૂણી’ લાગણીઓ ધરાવતી આ કચેરી કયારેય કોઈ નોંધપાત્ર કામગીરીઓ કરી રહી નથી.
અમદાવાદ સહિતના શહેરોમાં પણ આવી જ દુ:ખદ સ્થિતિઓ છે. હાલમાં જ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં એક બાંધકામ સાઈટ પર પાંચમા માળે કામ ચાલી રહ્યું હતું ત્યારે એક દુર્ઘટના સર્જાઈ ગઈ. 3 મજૂરો નીચે પટકાયા. જે પૈકી 2 રાજસ્થાની કામદારોના મોત થયા અને 1 કામદારની સ્થિતિ ગંભીર છે. પરંતુ બિલ્ડર કે લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ કોઈ આકરી કાર્યવાહીઓ થઈ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં બહુ લાંબો રૂપિયો દોડી રહ્યો હોય છે, જેની મદદથી બિલ્ડર અને ડેવલપર લોબી કામદારોની જિંદગીઓની સલામતી તથા ફાયર સંબંધિત નિયમોના પાલનમાં સંબંધિત તંત્રો પાસેથી ચોક્કસ પ્રકારની ‘છૂટ’ પ્રાપ્ત કરી લેવામાં સફળ થતાં હોય છે. આ પ્રકારની ભ્રષ્ટ રીતરસમોને કારણે બાંધકામ સાઈટ્સ પર શ્રમિકોના મોત થતાં રહે છે, તેમના પરિવારો પર દુ:ખ તૂટી પડે છે, જેની ચિંતાઓ કરવાની જવાબદારીઓ કોઈ નિભાવતું નથી ! કામદાર કલ્યાણ સંબંધે પ્રચાર શોખ ધરાવતાં જવાબદારોએ આવી બાબતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવી જોઈએ એમ એક્ટિવિસ્ટ્સ વર્ગ માની રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બાંધકામ ક્ષેત્ર માફક જ ઉદ્યોગ ક્ષેત્રમાં પણ કામદારોની સલામતી સંબંધે બેદરકારીઓ સેવાઈ રહી છે.

























































