Mysamachar.in-મોરબી:
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના વધુ એક વખત સમગ્ર રાજયમાં આજે ગાજી રહી છે. કેમ કે, ખાસ તપાસ ટીમ ‘સીટ’નો રિપોર્ટ વડી અદાલતમાં રજૂ થયો છે. જેમાં સ્પષ્ટ કહેવાયું છે કે, મોરબી દુર્ઘટના માત્ર અકસ્માત ન હતો, આ ઘટના 135 લોકોના મર્ડર છે. સીટના આ રિપોર્ટથી મોરબી સહિત સમગ્ર રાજયમાં તહેલકો મચી ગયો છે. આજે હાઈકોર્ટમાં સીટનો ફાઈનલ રિપોર્ટ રજૂ થયો. જેમાં બ્રિજ ધરાશાયી થવામાં ઓરેવા કંપની જ જવાબદાર હોવાનું સ્પષ્ટ કહેવાયું છે. આ અકસ્માત નહીં, મર્ડર છે અને તેથી આરોપીઓ સામે આઈપીસીની કલમ 302 લાગવી જોઈએ તેમ પણ રિપોર્ટ કહે છે.
આ બ્રિજનું કામ દેવ પ્રકાશ સોલ્યુશનને સોંપવામાં આવેલું. જેની વિશ્વસનીયતા તપાસવામાં આવી ન હતી. બ્રિજ પર જવા કેટલાં લોકોને ટિકિટ આપવી તે પણ નકકી કરવામાં આવ્યું ન હતું. મેન્ટેનન્સ અને ફીટનેસ સર્ટિફિકેટ વિના જ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. 31 ઓક્ટોબર, 2022ના દિને આ કાળમુખી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135ના નદીમાં ડૂબી જતાં મોત થયા હતાં. અત્યાર સુધીમાં આ કેસમાં 10ની ધરપકડ થઈ છે. 2 ટિકિટ ચેકરને તથા 3 સિકયોરિટી ગાર્ડને જામીન મુક્તિ મળી છે. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ અને દિનેશ દવે સહિતના બે મેનેજર વિરુદ્ધ કાર્યવાહીઓ હવે તેજ બનશે, એવું માનવામાં આવી રહ્યું છે.
પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે આશરે બેથી અઢી હજાર પાનાનો SIT રિપોર્ટ ફાઈનલ રિપોર્ટ અમને આપવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે ઓરેવા કંપનીના ડાયરેક્ટર અને તેના બે મેનેજર દિનેશ દવે અને દિપક પરીખ સંપૂર્ણપણે જવાબદાર છે. અગત્યની વસ્તુ છે કે, કોઈ પણ પ્રકારની પ્રોપર સિક્યોરિટીની વ્યવસ્થા હતી નહીં. નામદાર કોર્ટના જજે ઓરેવા કંપનીની ટીકા કરતા કહ્યું છે કે, વળતર જ અગત્યની વસ્તુ નથી. તમે મૃતકોના પરિવાર છે તેના માટે શું કર્યું છે?, ખાસ કરીને જે બહેનો વિધવા બની છે તેમની નોકરી માટે તમે કાંઈ પ્રયાસ કર્યા છે? જે બાળકો અનાથ થઈ ગયા છે તેના માટે શું કર્યું છે? આ રિપોર્ટમાં ડિપ પોઈન્ટ એનાલિસિસ છે. અમારે રિપોર્ટ વાંચતા વાર લાગશે એટલે હાઈકોર્ટે આગામી સુનાવણી દીવાળી વેકેશન બાદ રાખી છે. રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ હાઈકોર્ટમાં દીવાળી વેકેશન બાદ સુનાવણી હાથ ધરાશે